ભારતની માનવતા સામે પાકિસ્તાન નમ્યું, ભારતથી અફઘાનિસ્તાન વસ્તુ પહોંચાડવા માટે માર્ગ ખોલશે
– ભરતની માનવતા સામે પાકિસ્તાન નમ્યું
– ભારતથી અફઘાનિસ્તાન વસ્તુઓ પહોંચાડવા માટે પાકિસ્તાન રસ્તો ખોલશે
– ઇમરાન ખાન સરકારે કરી જાહેરાત
દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં એક તરફ જ્યાં ભૂખમરાનું સંકટ વધુને વધુ વિકટ બની રહ્યું છે ત્યારે હવે માનવતા માટે હંમેશા આગળ રહેતા ભારતે હવે પાડોશી ધર્મ નિભાવવા અફઘાનિસ્તાનને 50 હજાર ટન ઘઉં મોકલવાનું નક્કી કર્યું છે. આ ઘઉંનો જથ્થો પાકિસ્તાનના માર્ગથી અફઘાનિસ્તાન પહોંચાડવામાં આવશે.
ભારતે દર્શાવેલી માનવતા બાદ પાકિસ્તાન પણ નમ્યું છે અને અફઘાનિસ્તાનમાં ઘઉં પહોંચાડવાને લઈને માર્ગ ખોલી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતમાંથી 50 હજાર ટન ઘઉં પાકિસ્તાનના રસ્તે અફઘાનિસ્તાનમાં પહોંચાડવામાં આવશે.
માનવીય અધિકારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે ભારત સરકાર આ પ્રક્રિયા જલ્દીથી પૂરી કરશે તેમજ અફઘાનિસ્તાનના લોકો સુધી ભારતના ઘઉં પહોંચાડવામાં આવશે.
બીજી તરફ પાકિસ્તાનનાં પીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે અફઘાની નાગરિકો ઈલાજ અર્થે ભારતમાં ગયા છે. તે લોકોને પણ અફઘાનિસ્તાન જવું હશે તો તેમની મદદ કરાશે. તાલિબાનની સત્તા બાદ અફઘાનિસ્તાનમાં ફ્લાઇટો બંધ છે જેના કારણે અફઘાની નાગરિકો ભારતમાં છે.
અત્રે જણાવવાનું કે, અગાઉ પાકિસ્તાનની જોહુકમીને કારણે ઘણા વર્ષોથી ભારત તેમના રસ્તેથી અફઘાનને ઘઉં નહોતો મોકી શકતો. જો કે બાદમાં ચાબહાર પોર્ટની સ્થાપના બાદ અફઘાનમાં ઘઉં મોકલવાનું સંભવ થયું હતું.