પાકિસ્તાન ટેક્નોલોજી સંબંધિત માહિતી મેળવવા ગેરકાયદેસર પ્રવૃતિ કરી શકે છેઃ નોર્વે
નવી દિલ્હીઃ તેલ ઉત્પાદક દેશ નોર્વેએ પણ હવે પાકિસ્તાનને પોતાના માટે ખતરનાક માની રહ્યું છે. નોર્વેની સુરક્ષા એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં કહ્યું છે કે, પાકિસ્તાન ટેક્નોલોજી સંબંધિત માહિતી મેળવવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવી શકે છે. રિપોર્ટ અનુસાર, નોર્વેની પોલીસ સિક્યુરિટી સર્વિસ (પીએસટી)એ પણ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ 2023માં કહ્યું છે કે પાકિસ્તાન સંવેદનશીલ ટેક્નોલોજીના પ્રસારના મામલે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તેલ ઉત્પાદક દેશ હોવાને કારણે, નોર્વે સંબંધિત, ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રોમાં કુશળતા ધરાવે છે. તેમાં અદ્યતન મેરીટાઇમ ટેકનોલોજી છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પોતાના સંશોધકોને નોર્વેની શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓમાં પ્રવેશવાની મંજૂરી આપીને ગેરકાયદેસર રીતે સંવેદનશીલ ટેકનોલોજી મેળવી શકે છે.
પાકિસ્તાનના પડોશી દેશ ભારત અને અફઘાનિસ્તાન સહિતના દેશો સાથે સંબંધ ખરાબ છે. પાકિસ્તાન પોતાની ઘરતીનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન માટે આપી રહ્યું છે. આ અંગે ભારતે દુનિયાના મોટાભાગના મંચો ઉપર પાકિસ્તાનને ખુલ્લુ પાડ્યું છે. હાલ પાકિસ્તાનમાં આર્થિક સંકટની વચ્ચે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. જેથી પાકિસ્તાન મુદ્દે દુનિયાના મોટાભાગના દેશો સતર્ક બન્યાં છે. આર્થિક સંકટ વચ્ચે ફસાયેલા પાકિસ્તાનના પીએમ શરીફ દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. જો કે, કોઈ પણ દેશ તેને મદદ કરવા માટે આગળ આવતું નથી. બીજી તરફ પાકિસ્તાનના નેતાઓ જાહેરમાં નિવેદન કરી રહ્યાં છે કે, પાકિસ્તાન પરમાણુ હથિયાર ધરાવતો દેશ છે. જેથી અમેરિકા સહિતના દેશો પરમાણુ હથિયાર ઉપર સતત નજર રાખી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં અમેરિકા આ હથિયાર ઉપર કબજો જમાવી લેશે તેવો ભય પાકિસ્તાની નાગરિકોમાં જોવા મળી રહ્યો છે.