દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી કાશ્મીર મુદ્દે સંબંધ ખાટા થયેલા છે. દરમિયાન ચીન-પાકિસ્તાન દ્વારા સૈન્ય અભિયાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે ચીને ગુજરાત સરહદ નજીક આવેલા પાકિસ્તાન એરબેઝ ખાટે લડાકુ વિમાન અને સૈનિકો મોકલ્યાં છે. કચ્છ સરહદ નજીક બંને દેશની વાયુસેના સંયુક્ત લશ્કરી કવાયત કરશે.
ચીનના વિમાનો પાકિસ્તાન સિંઘ પ્રાંતમાં ભોલારીમાં આવેલા પાકિસ્તાની વાયુસેનાના એરબેઝ માટે ઉડાન ભરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ભારતીય વાયુસેનાએ આ કવાયત ઉપર ખાસ નજર રાખશે. બંને દેશની વાયુસેના વચ્ચે સહકાર વધારવાના બહાને ચીન-પાકિસ્તાન ગુજરાતની હવાઈ સરહદ નજીક શક્તિ પ્રદર્શન કરશે. ચીનની સત્તાવાર ટ્વીટર એકાઉન્ટમાંથી પણ આ અંગેની ટ્વીટ્સ કરવામાં આવી છે.
ચીનના લગભગ 50 જેટલા ફાઈટર વિમાનો આ લશ્કરી કવાયતમાં ભાગ લેશે. અગાઉ ભારતના આ બંને પરંપરાગત દુશ્મન દેશોએ લાઈન ઓફ એચ્યુઅલ કંટ્રોલ નજીક વર્ષ 2019માં સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હિંદ મહાસાગરમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતે સંયુક્ત લશ્કરી કવાયત કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે ચીન ચારેય દેશની લશ્કરી કવાયતથી હચમચી ગયું હતું.