પુલવામા હુમલા બાદ પાકિસ્તાન આતંકવાદીઓ પર કાર્યવાહી કરવાનો દાવો કરી રહ્યું છે. તેના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે પાકિસ્તાને એ જવાબ આપવો જોઈએ કે શું તેના એફ-16 યુદ્ધવિમાનને તોડી પાડવામાં આવ્યું હતું? પાકિસ્તાન આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું નથી. આના સંદર્ભે પાકિસ્તાન ખોટા દાવા કરી રહ્યું છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના અધિકારીએ પોતાના દેશના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા હોવાની વાતને નકારી દીધી છે. આનાથી સ્પષ્ટ ખબર પડે છે કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કેવું વલણ ધરાવે છે? પાકિસ્તાન ભારત અને આંતરરાષ્ટ્રીય બિરાદરીની ચિંતાઓને દૂર કરવા માટે કોઈ કામ કરી રહ્યું નથી. પાકિસ્તાન આતંકવાદી સંગઠન, જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ એક્શન લઈ રહ્યું નથી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ છે કે પાકિસ્તાન જો દાવો કરે છે કે તેની પાસે ભારતના બીજા ફાઈટર પ્લેનના તૂટી પડવાનો વીડિયો છે, તો તે તેને દર્શાવતું કેમ નથી? જો પાકિસ્તાન નવા વિચાર સાથે નવું પાકિસ્તાન હોવાનો દાવો કરે છે, તો તેને આતંકવાદી સંગઠનો અને ક્રોસ બોર્ડર ટેરરિઝમ વિરુદ્ધ પણ નવી કાર્યવાહી કરી દેખાડવી જોઈએ.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે અમે આતંકવાદ વિરુદ્ધ સતત અભિયાન ચાલુ રાખીશું, અમારી સેના સતર્ક રહેશે.