નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સ્વર્ગ ગણાતા પાકિસ્તાનમાં આતંકવાદીઓને સમર્થન આપવામાં આવે છે. તેમજ અનેક આતંકવાદીઓ હાલ પાકિસ્તાનમાં આસરો લઈ રહ્યાં છે. બીજી તરફ મહાસત્તા ગણાતા ચીન દ્વારા પણ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે સમર્થન મળી રહ્યું છે. જેથી પાકિસ્તાન આતંકવાદ મુદ્દે દુનિયાના ગણકારતુ નથી. કુખ્યાત આતંકવાદી અને 26/11ના માસ્ટરમાઈન્ડ સાજિદ મીરની પૂછપરછ કરવા માટે અમેરિકાની એજન્સી એફબીઆઈએ પાકિસ્તાનની મંજૂરી માગી હતી. જો કે, આતંકીઓના આક્કા પાકિસ્તાન મંજૂરી આપવામાં આના-કાની કરતું હોવાનું જાણવા મળે છે.
આતંકવાદી સાજિદ મીર મુંબઈ હુમલા અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાન સરકારની સાંઠગાંઠના મહત્વના કડીઓ જાહેર કરી શકે છે. ભારત, અમેરિકા અને ફ્રાન્સ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો અને આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત કાર્યવાહીમાં વ્યસ્ત છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 સમિતિના ઠરાવ અનુસાર મીર, લશ્કરના અબ્દુલ રહેમાન મક્કી અને જૈશના રઉફ અઝહર જેવા આતંકવાદીઓને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ દર વખતે ચીન તેમને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અડચણો ઉભી કરે છે. .
FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે પાકિસ્તાન બેતાબ છે ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા પાકિસ્તાનને આતંકવાદી જૂથોને મદદ કરવા અને ટેરર ફંડિંગ માટે ‘ગ્રે લિસ્ટ’માં મૂકવામાં આવ્યું છે. તે સતત તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ સફળતા મળી રહી નથી. અમેરિકાની એજન્સી 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ મીર સાજિદની પૂછપરછ કરવા માંગે છે, પરંતુ પાકિસ્તાન FBIને આમ કરવા દેતું નથી.
આતંકવાદી સાજિદ મીર 2008ના મુંબઈ હુમલાનો હેન્ડલર, પાકિસ્તાનમાં મુરીદકે સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT)નો ટોચનો આતંકવાદી છે. મીરની હત્યાના દાવા વચ્ચે પાકિસ્તાનની એક કોર્ટે તેને 15 વર્ષની જેલની સજા ફટકારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે લાહોરની કોટ લખપત જેલમાં બંધ છે.