પુલવામામાં જૈશ, લશ્કરે તૈયબા, હિઝબુલની ગુપ્ત બેઠક, પાકિસ્તાને આતંકીઓને સોંપ્યા અલગ-અલગ ટાસ્ક
- જૈશ, લશ્કરે તૈયબા, હિઝબુલની ગુપ્ત બેઠક
- પાકિસ્તાને આતંકીઓને સોંપ્યા જુદાંજુદાં ટાસ્ક
પાકિસ્તાની સેના અને આઈએસઆઈની શેહ પર લશ્કરે તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદે ઘણાં આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીર સહીત ભારતના અન્ય હિસ્સામાં હુમલા કરવા માટે અલગ-અલગ ટાસ્ક આપ્યું છે. તેમના નિશાના પર રાજનેતાથી લઈને પોલીસ અને સુરક્ષાદળોના કર્મચારીઓ છે. એએનઆઈએ એક ડોક્યુમેન્ટને ટાંકીને આ ખુલાસો કર્યો છે.
આ ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે પુલવામામાં એક અજાણ્યા સ્થાન પર ત્રણ મોટા આતંકવાદી જૂથોની ગત સપ્તાહે ગુપ્ત બેઠક યોજાઈ હતી. બેઠકમાં તેમણે પાકિસ્તાન પાસેથી મળેલા ટાસ્ક અને ભવિષ્યમાં શું-શું કરવાનું છે, તેના પર ચર્ચા કરી છે. ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે આતંકવાદી સંગઠન કેટલાક રાજનેતાઓ અને સુરક્ષાદળોના જવાનો તથા અધિકારીઓની હત્યાની સાજિશ રચી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર સિવાય દેશના અન્ય હિસ્સાઓમાં પણ ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવવામાં આવી રહી છે.
જૈશ-એ-મોહમ્મદને નેશનલ હાઈવે પર હુમલાનું ટાસ્ક આપવામાં આવ્યું છે. લશ્કરે તૈયબાને સુરક્ષાદળો અને તેના કેમ્પો પર હુમલા કરવાનું ટાસ્ક મળ્યું છે. હિઝબુલને જમ્મુ-કાશ્મીરમાં શટડાઉન કરાવવાનું અને રાજનેતાઓ તથા સુરક્ષાદળોને નિશાન બનાવવાનું ટાસ્ક આપવામાં આવ્યું છે. આ બધું પાકિસ્તાની સેના અને આઈએસઆઈની સંમતિ બાદ કરવામાં આવ્યું છે. હિઝબુલ મુજાહિદ્દીનને સ્થાનિક લોકો નિશાન બનાવવાનું અને કાશ્મીર ખીણમાં અશાંતિ પેદા કરવાનું ટાસ્ક પણ આપવામાં આવ્યું છે.
આ આતંકવાદી સંગઠનોને ડર છે કે કલમ-370ની જોગવાઈઓને રદ્દ કરાયા બાદથી કાશ્મીર ખીણમાં ઘણાં વિકાસકાર્યો થઈ શકે છે અને સરકાર જે પ્રકારે રાજ્યની જનતાની ભલાઈનું કામ કરી રહી છે, તેનાથી ત્યાં શાંતિ બહાલ થઈ શકે છે. તેમણે યોજના બનાવી છે કે જ્યારે પણ કોઈ સારા સમાચાર આવશે, કોઈ આતંકવાદી ઘટના દ્વારા તેને દબાવવા અને નકારાત્મકતા ફેલાવવાની કોશિશ કરવામાં આવશે. સુરક્ષાદળોના આતંકવાદીઓના મનસૂબા નાકામ કરવા માટે ભારતીય સેના, સ્થાનિક પોલીસ અને ગુપ્તચર વિભાગ સાથે તાલમેલ બેસાડવાનું કહેવામાં આવ્યું છે.
લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન સતત જમ્મુ-કાશ્મીરમાં દુકાનો બંધ રાખવા માટે દુકાનદારોને ધમકાવી રહ્યા છે. તેઓ ચાહે છે કે બજાર ઠપ્પ થઈ જાય અને લોકો જીવનજરૂરી સામાન પણ ખરીદી શકે નહીં. આમ કરીને તેઓ ત્યાંની જનતાની વચ્ચે સરકાર વિરુદ્ધ માહોલ બનાવવા ચાહે છે. આતંકી પેટ્રોલ પમ્પ માલિકોને પણ ધમકી આપી રહ્યા છે.