પાકિસ્તાન અને તાલિબાનના સંબંધ તંગ બન્યા, સ્થિતિ વિકટ બનવાની ભીતી
નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 11 હજાર જેટલી વ્યક્તિઓના મોત થયાં છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગયા છે. અમેરિકા અને યુકે સહિતના દેશો ઈઝરાયલને સમર્થન આપી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાન સહિતના અનેક મુસ્લિમ દેશો ઈઝરાયલની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યાં છે. આ યુદ્ધ આગામી દિવસોમાં વધારે ભયંકર થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. બીજી તરફ અફઘાન શરણાર્થીઓની હકાલપટ્ટી કરનાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના શાસકો વચ્ચે હાલ તણખા ઝરી રહ્યાં છે. અફઘાન શરણાર્થીઓની પાકિસ્તાન દ્વારા તાકાતના જોરે હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. જેનો તાલિબાન સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યો છે. હાલ તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે વાકયુદ્ધ શરુ થયું છે. બીજી તરફ પાકિસ્તાનમાં ફરીથી આતંકવાદી હુમલામાં વધારો થયો છે. દરમિયાન પાકિસ્તાન અને તાલિબાનીઓ વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે.
પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સહિત વિશ્વભરના દેશોની વિનંતીને ફગાવીને લાખો અફઘાન શરણાર્થીઓને દેશનિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. લાખો અફઘાન શરણાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે. જો તેઓ પાકિસ્તાનમાં રહેશે તો તેમને ધરપકડનો ડર છે. જો તેઓ અફઘાનિસ્તાનમાં જાય છે, જ્યાં તેમની પાસે ન તો ઘર છે અને ન તો કામ છે, તો ભૂખમરાથી મરી જવાનો ડર છે. જો કે, સામૂહિક હકાલપટ્ટીની યોજનાને ઝડપથી પૂર્ણ કરવા માટે, પાકિસ્તાને સરહદ પર ચેકિંગ કેન્દ્રો અને સુરક્ષા કર્મચારીઓની સંખ્યામાં વધારો કર્યો છે, સાથે જ તાલિબાને પાકિસ્તાનને અફઘાન લોકો સામે ક્રૂરતા બંધ કરવા કહ્યું છે.
પાકિસ્તાનની વચગાળાની સરકારની ટીકા કરતાં, તાલિબાનના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ યાકુબ મુજાહિદે લગભગ ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે, દાયકાઓથી પાકિસ્તાનમાં રહેતા અફઘાન મૂળના લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવાનો પાકિસ્તાનનો નિર્ણય એકપક્ષીય અને ક્રૂર છે. પાકિસ્તાને તેની કાર્યવાહીના પરિણામો વિશે પણ વિચારવું જોઈએ. જે લોકો પાકિસ્તાનમાં અફઘાન મૂળના લોકોના મકાનો તોડી રહ્યા છે અને તેમની મિલકતો પર કબજો જમાવી રહ્યા છે તેમને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે કોઈએ આવી ભૂલ ન કરવી જોઈએ, તેમને પરિણામ ભોગવવા પડશે.
તાલિબાનના રક્ષામંત્રી મોહમ્મદ યાકુબ મુજાહિદે આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી કે, પાકિસ્તાનને અફઘાન પર અત્યાચાર કરતા અટકાવે. જો અફઘાન મૂળના લોકોને પાકિસ્તાનમાંથી હાંકી કાઢવા પડે તો પણ તેમની સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ. આ સાથે મુજાહિદે સંયુક્ત રાષ્ટ્ર પાસે અફઘાનિસ્તાન પરત ફરી રહેલા શરણાર્થીઓને મદદ કરવાની માંગ કરી છે. તાલિબાન અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 1.47 લાખ લોકો એકલા તોરખામ બોર્ડરથી અફઘાનિસ્તાન આવ્યા છે, જેમાંથી લગભગ 20,000 ગુરુવારે આવ્યા છે, જ્યારે કુલ 2 લાખથી વધુ લોકો પાકિસ્તાન છોડીને અફઘાનિસ્તાન આવ્યા છે.