નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકાની હાલતથી તમામ લોકો માહિતગાર છે અને સોનાની લંકા કહેવાતો દેશ આજે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. આવી જ કંઈક આવી આપણા પડોશી દેશ પાકિસ્તાનની છે. જ્યાં આર્થિક હાલત એવી છે કે, બજાર, લગ્ન હોલ બંધ કરવાની સ્થિતિ ઉભી થઈ છે. એટલું જ નહીં એલપીજી ગેસ પ્લાસ્ટિકની થેલીમાં લઈ જવામાં આવે છે. શ્રીલંકા વિસ્તારવાદી ચીનના દેવાને પગલે કંગાળ થઈ ગયું છે. જ્યારે પાકિસ્તાન પણ દેવાના ડુંગર હેઠળ દબાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘડાટો થઈ રહ્યો છે.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે, સામાન્ય નાગરિકોને મુળભૂત અધિકાર પુરા પાડવામાં સરકાર સમર્થ નથી. હવે વર્ક ફોર્મ હોમ પોલીસી લાગુ કરીને સરકારી ઓફિસમાં વિજળી બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જુલાઈ 2023 સુધી ઈલેક્ટ્રીક પંખાના ઉત્પાદન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેમજ બલ્બનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. એલપીજીની આપૂર્તિમાં ઘટાડાને કારણે હંગૂ સહિતના કેટલાક શહેરોમાં કેટલાક દિવસોથી લોકો ગેસ વિના જીવન નિર્વાહ કરવા મજબુર બન્યાં છે. પાકિસ્તાનમાં સરકારી કર્મચારીઓને પગાર આપવાના પૈસા નથી. રેલવે ડિપાર્ટમેન્ટની હાલત ખુબ જ ખરાબ છે. સરકાર પાસે ગયા વર્ષે નિવૃત્ત થયેલા અધિકારીઓને ગ્રેજ્યુટી ચુકવવાના પૈસા નથી.