દિલ્હી:રોકડની તીવ્ર તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં 16.1 ટકાના તીવ્ર ઘટાડા સાથે 10 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે.પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક એસબીપીએ શુક્રવારે જણાવ્યું હતું કે,ગયા નાણાકીય વર્ષના અંતે તેનો વિદેશી મુદ્રા ભંડાર માત્ર 3.09 અરબ ડોલર હતો.
વિદેશી દેવાની ચૂકવણીને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં $592 મિલિયનનો ઘટાડો થયો છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) એ કહ્યું કે હાલમાં દેશમાં કુલ વિદેશી મુદ્રા ભંડાર 8.74 અરબ ડોલર છે. તેમાંથી 5.65 અરબ ડોલર કોમર્શિયલ બેંકોમાં જમા વિદેશી ચલણ છે.
આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે આ વિદેશી હૂંડિયામણ પાકિસ્તાનની માત્ર ત્રણ સપ્તાહની આયાત જરૂરિયાતોને પૂરી કરી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ ફર્મ આરિફ હબીબ લિમિટેડના વિશ્લેષકે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2014 પછી વિદેશી હૂંડિયામણ અનામતનું આ સૌથી નીચું સ્તર છે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે ગયા અઠવાડિયે વિદેશી ચલણ વિનિમય દર પરની મર્યાદા હટાવી દીધી હતી. અત્યારે પાકિસ્તાની રૂપિયો અમેરિકી ડૉલરની સરખામણીએ 270 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.