દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાને ભારતમાં આતંકવાદીઓને હથિયાર મોકલવા માટે નવો માર્ગ અપનાવ્યો છે. હવે પાકિસ્તાન ડ્રોન મારફતે ભારતમાં પોતાના આતંકવાદીઓને હથિયાર મોકલાવે છે. વર્ષ 2019થી પાકિસ્તાને આધુનિક ટેકનોલોજી એવા ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓગસ્ટ 2019માં ભારતીય સુરક્ષા એજન્સીઓએ અમૃતસરના એક ગામમાં ડ્રોન તોડી પાડ્યું હતું. તેમજ આ ડ્રોનનો પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો હથિયારો પુરા પાડવા માટે ઉપયોગ કરતા હોવાનું ખૂલ્યું હતું. આ ઉપરાંત સપ્ટેમ્બર 2019માં પંજાબમાં ઝડપાયેલા આતંકવાદીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા.
આતંકવાદીની તપાસમાં ડ્રોન દ્વારા આઠ ચક્કર લગાવીને હથિયારો નાખવામાં આવ્યા હોવાનું ખૂલ્યું હતું. જૂન, 2020ના રોજ બીએસએફે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એક જાસૂસી ડ્રોન તોડી પાડયું હતું. તેમજ હથિયારો અને વિસ્ફટકો જપ્ત કર્યા હતા. સપ્ટેમ્બર 2020ના રોજ જમ્મુ-કાશ્મીર પોલીસે અખનૂર સેક્ટરમાં ડ્રોન મારફત ડિલિવર કરાયેલા હથિયારો જપ્ત કર્યા હતા. ડિસેમ્બર 2020માં પંજાબ પોલીસે ગુરદાસપુર જિલ્લામાં પાકિસ્તાન સરહદ પાસે આઠ હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આ હથિયાર પાકિસ્તાની ડ્રોન દ્વારા નંખાયા હતા.