Site icon Revoi.in

PM મોદીના જમ્મુ-કાશ્મીરની મુલાકાત ઉપર પાકિસ્તાનને બોલવાનો કોઈ અધિકાર નથીઃ વિદેશ મંત્રાલય

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેમજ અનેક લોકહિતના કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન પાકિસ્તાને પીએમ મોદીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત અને ચેનાબ નદી પર રતલે અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ માટે શિલાન્યાસ કરવા મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે પાકિસ્તાનને પીએમ મોદીની જમ્મુ-કાશ્મીર મુલાકાત પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. પાકિસ્તાન સામેના વલણમાં ફેરફાર અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ભારતનું સ્ટેન્ડ બહુ સ્પષ્ટ છે, કે એવુ વાતાવરણ હોય જેમાં આતંકવાદ ના હોય, તો જ વાતચીત થઈ શકશે. ભારતનો ઉદ્દેશ હંમેશા આવો જ રહ્યો છે, આ ભારતની યોગ્ય માંગણી છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કર્યા પછી પહેલીવાર જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા વડાપ્રધાન મોદીએ રવિવારે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રાતલે અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. કિશ્તવાડમાં ચેનાબ નદી પર આશરે રૂ. 5,300 કરોડના ખર્ચે 850 મેગાવોટનો પ્રોજેક્ટ અને એ જ નદી પર રૂ. 4,500 કરોડથી વધુના ખર્ચે 540 મેગાવોટનો કવાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ” ભારત દ્વારા ડિઝાઇન કરાયેલા રાટેલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટના નિર્માણ સામે પાકિસ્તાનને વાંધો છે અને ભારતે ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ માટે પાકિસ્તાન સાથે માહિતી શેર કરવાની તેની સંધિની જવાબદારી હજુ સુધી પૂર્ણ કરી નથી.” વિદેશ કાર્યાલયે કહ્યું, “પાકિસ્તાન ભારતીય વડાપ્રધાન દ્વારા બે પ્રોજેક્ટના શિલાન્યાસને 1960ની સિંધુ જળ સંધિ (IWT)નું સીધું ઉલ્લંઘન માને છે.” પાકિસ્તાનના આ નિવેદન બાદ આજે ભારતીય વિદેશ મંત્રાલયે તેને વળતો જવાબ આપ્યો હતો.