દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સ્વીકાર્યું છે કે અમુક લોકો દ્વારા સંસાધનો પર કબજો કરવામાં આવ્યો છે જેથી પાકિસ્તાનમાં કાનૂનનું રાજ નથી. ઈમરાને અમેરિકન મુસ્લિમ વિદ્વાન શેખ હમઝા યુસુફ સાથેના ઓનલાઈન ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. શેખ હમઝા યુસુફ કેલિફોર્નિયામાં જેતુના કોલેજના વડા પણ છે. પાકિસ્તાનમાં હજારો આતંકવાદીઓ સક્રિય હોવાનું પણ અગાઉ ઈમરાન ખાને સ્વિકાર્યું હતું.
ઇમરાને વધુમાં કહ્યું કે, અમુક લોકોનો સંસાધન પર કબજો કર્યો હોવાથી બહુમતી લોકો આરોગ્ય, શિક્ષણ અને ન્યાયની સુવિધાઓથી વંચિત છે. કાયદાના શાસનના અભાવે દેશ એ ઉંચાઈએ પહોંચી શક્યો નથી જ્યાં હોવો જોઈતો હતો. કોઈ પણ સમાજ જ્યાં સુધી નિયમો પ્રમાણે ન ચાલે ત્યાં સુધી પ્રગતિ કરી શકતો નથી. પાકિસ્તાનમાં પણ ગરીબો માટે અલગ અને અમીરો માટે અલગ કાયદો છે. કાયદો ગુનેગારની ગુણવત્તાના આધારે કામ કરે છે. જો તમે અમીર હશો તો મોટા હોદ્દા પર બેસશો અને જો ગરીબ હશો તો જીવનભર સંઘર્ષ કરતા રહેશો.
તેમણે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનને તેઓ કલ્યાણકારી ઈસ્લામી રાષ્ટ્ર બનાવવા માંગે છે. જેવી કલ્પના પયગંબર સાહેબે કરી હતી. તેમની સરકાર બે સિદ્ધાંતોને અનુસરીને દેશને આગળ લઈ જવા માંગે છે. આમાંનો એક સિદ્ધાંત પાકિસ્તાનને કલ્યાણકારી રાજ્ય બનાવવાનો છે અને બીજો કાયદાનું શાસન સ્થાપિત કરવાનો છે. પર્યાવરણના સુધારા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ધરતી ઉપર જીવન બચાવવા આ જરૂરી છે. જો કોઈ કાર્યમાં ઈમાનદારી ના રાખીએ તો ભવિષ્યમાં આફત આવશે ત્યારે કોઈ કંઈ ના કરી શકે.