Site icon Revoi.in

ભારતમાં પ્રતિબંધિત 50%થી વધારે આતંકી-કટ્ટરવાદી જૂથોનું પાકિસ્તાન મદદગાર: રિપોર્ટ

Social Share

સત્તાવાર દસ્તાવેજો પ્રમાણે, પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્રબિંદુ છે અને પાડોશી દેશમાં ગેરકાયદેસર સંગઠનોની ભરમાર છે. આવા આતંકી સંગઠનોમાં તાજેતરમા પ્રતિબંધિત કરવામાં આવેલું જમાત-ઉદ-દાવા અને તેના જેવા અન્ય જૂથો પણ સામેલ છે. તેની સાથે જ પાકિસ્તાન ભારતમાં પ્રતિબંધિત એવા અડધાથી વધારે સંગઠનોની ઉશ્કેરણી અને આર્થિક મદદ ઉપલબ્ધ કરાવે છે.

પાકિસ્તાનની નેશનલ ટેરેરિઝમ કાઉન્ટર ઓથોરિટી દ્વારા અત્યાર સુધીમાં 69 આતંકી જૂથોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. દસ્તાવેજો મુજબ, પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીરમાં સક્રિય હિઝબુલ મુજાહિદ્દીન, હરક ઉલ મુજાહિદ્દીન અને અલ બદ્ર જેવા મુખ્ય આતંકવાદી જૂથોને લઈને આંખ આડા કાન કરી રહ્યું છે.

પાકિસ્તાને પુલવામા એટેક બાદ વધી રહેલા આંતરરાષ્ટ્રીય દબાણને કારણે ગુરુવારે 2008ના મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અને ફાલહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. પુલવામા આતંકવાદી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા.

જમાત-ઉદ-દાવા લગભગ 300 મદરસાઓ અને સ્કૂલો, હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ સેવાનું સંચાલન કરે છે. બંને અન્ય જૂથોના લગભગ 50 હજાર સ્વયંસેવકો અને સેંકડો અન્ય કર્માચારીઓનું મોટું તંત્ર પણ ધરાવે છે.

પાકિસ્તાનના એનટીસીએ પ્રમાણે પ્રતિબંધિત કરવામાં આવેલા મોટાભાગના સંગઠનો બલુચિસ્તાન, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને ફાટામાં આવેલા છે.

ભારતીય ગૃહ મંત્રાલયના દસ્તાવેજો મુજબ, ભારતના કુલ 41 પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોમાં લગભગ 50 ટકાથી વધારે પાકિસ્તાન પરસ્ત અથવા તેનું ટોચનું નેતૃત્વ પાકિસ્તાનમાં છે અથવા તેમને પાકિસ્તાન દ્વારા મદદ ઉપલબ્ધ કરાવાઈ રહી છે.

ભારતમાં પ્રતિબંધિત આવા આતંકવાદી જૂથોમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન, હરકત ઉલ મુજાહિદ્દીન, અલ બદ્ર, દુખ્તરાં-એ-મિલ્લત, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ, ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યૂથ ફેડરેશન સામેલ છે.