Site icon Revoi.in

પાકિસ્તાનઃ હિન્દુઓએ મનદુઃખ ભૂલી પૂર પીડિતોને આશ્રય અને ભોજન પુરુ પાડ્યું

Social Share

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. હાલ પાકિસ્તાનના અનેક જિલ્લાઓમાં પૂરની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે અને અનેક લોકો મૃત્યુ થયા છે. તેમજ હજારોની સંખ્યામાં લોકો ઘર વિહોણા બન્યાં છે. આવી દુઃખની સ્થિતિમાં કટ્ટરપંથીઓના અત્યાચારથી પીડિત હિન્દુઓ તમામ મનદુઃખ ભુલાવીને મુશ્કેલીમાં મુકાયેલા દેશવાસીઓની મદદ માટે આગળ આવ્યાં છે. બલૂચિસ્તાનના એક નાના ગામમાં એક હિંદુ મંદિરે કેટલાક પૂર પ્રભાવિત લોકોને ખોરાક અને આશ્રય આપ્યો છે. આ બાબા માધોદાસ મંદિર છે જે પીડિત લોકોની મદદ કરી રહ્યું છે.

બલૂચિસ્તાનના કચ્છી જિલ્લાના જલાલ ખાન ગામમાં સ્થિત બાબા માધોદાસ મંદિર પૂરના પાણીથી સુરક્ષિત રહ્યું છે અને અસરગ્રસ્ત લોકો માટે આશ્રય સ્થાન બન્યું છે. પૂરના કારણે આ ગામ બાકીના પ્રાંતથી સંપર્ક વિહોણુ બન્યું છે. આ મુશ્કેલ સમયમાં સ્થાનિક હિંદુ સમુદાયે બાબા માધોદાસ મંદિરના દરવાજા પૂર પ્રભાવિત લોકો અને પશુધન માટે ખોલી દીધા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, બાબા માધોદાસ એક હિન્દુ સંત હતા જેમને આ પ્રદેશના મુસ્લિમો અને હિંદુઓ સમાન રીતે માન આપતા હતા. તેઓ ઊંટ પર મુસાફરી કરતા, તેમણે ધાર્મિક સીમાઓ ઓળંગીને લોકોને તેમની જાતિ અને સંપ્રદાયને બદલે માનવતાની દ્ધષ્ટિથી જોતા હતા.

આ મંદિરના પ્રભારી રતનકુમારએ જણાવ્યું હતું કે,  મંદિરમાં 100 થી વધુ ઓરડાઓ છે, દર વર્ષે બલૂચિસ્તાન અને સિંધના લોકો અહીં મોટી સંખ્યામાં તીર્થયાત્રા માટે આવે છે. અહીં શરણ લેનારા લોકોનું કહેવું છે કે આ મુશ્કેલ સમયમાં તેમની મદદ અને ભોજન આપવા બદલ અમે તેમના આભારી છીએ.