નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં 9 મેના રોજ થયેલ હિંસા મામલે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની પાર્ટીને શાહબાઝ શરીફ સરકારથી વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સામે કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ નેશનલ અસેમ્બલીમાં પસાર કરવામાં આવ્યો છે. આ બિલમાં દોષીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ ઈમરાન ખાનના સાથીઓ એક પછી એક તેમનો સાથ છોડી રહ્યાં છે.
નેશનસ એસેમ્બલીના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું છે કે, ‘પાકિસ્તાન રક્ષા મંત્રી ખ્વાજા આસિફ તરફથી નીચલા સદનમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, આ પ્રસ્તાવ બહુમતીથી પસાર થયો છે. આ પ્રસ્તાવ અનુસાર એક રાજનૈતિક દળ અને દળના નેતાઓએ 9 મેના રોજ તમામ હદ પાર કરીને સૈન્ય પ્રતિષ્ઠાન પર હુમલો કર્યો હતો. જેના કારણે દેશના સંસ્થાનને નુકસાન થયું છે.’
રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટર અને લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસ (જિન્નાહ હાઉસ) સહિત નાગરિક અને સૈન્ય સંસ્થાઓ પર હુમલા બાદ સુરક્ષા દળોએ પક્ષ સામે કડક કાર્યવાહી શરૂ કર્યા પછી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતાઓ ઈમરાન ખાનનો સાથ છોડી રહ્યાં છે. સેનાની કાર્યવાહીથી ડરીને શિરીન મઝારી, ફવાદ ચૌધરી, અમીર મેહમૂદ કિયાની, અલી ઝૈદી સહિત 70 થી વધુ PTI નેતાઓએ પાર્ટી છોડી દીધી, જ્યારે અસદ ઉમર અને પરવેઝ ખટ્ટક જેવા વરિષ્ઠ નેતાઓએ પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. પીટીઆઈના ઘણા ભૂતપૂર્વ નેતાઓ હવે ચીનના ઉદ્યોગપતિ જહાંગીર તારીન દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલી ઈસ્તેહકામ-એ-પાકિસ્તાન પાર્ટી (આઈપીપી)માં જોડાઈ ગયા છે.