નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગયા બાદ હવે નવા વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનની સંસદમાં નવા પીએમની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, પરંતુ તે પહેલા જ ઈમરાન ખાન અને તેમના સાથી સભ્યોએ સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું. આમ ઈમરાન ખાન નવા પીએમની પસંદગીની પ્રક્રિયાથી દૂર રહ્યાં હતા.
પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા ઈમરાન ખાન સંસદમાં પહોંચ્યા હતા, પરંતુ તેના થોડા સમય બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ પછી તેમના બાકીના સમર્થક સભ્યો પણ સંસદમાંથી બહાર નીકળી ગયા હતા. સંસદમાંથી બહાર આવ્યા બાદ તેમણે કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરી રહ્યા છીએ. ઈમરાનની પાર્ટી પીટીઆઈના ઘણા સભ્યોએ રાજીનામું આપી દીધા છે, જ્યારે બાકીના સભ્યો પણ રાજીનામું આપી રહ્યા છે.
નવા વડાપ્રધાનની પસંદગી માટે પાકિસ્તાની સંસદમાં મતદાન થશે. વિપક્ષે સંયુક્ત રીતે જાહેરાત કરી છે કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફ તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. જે બાદ હવે શરીફને પીએમ બનાવવા માટે વોટિંગ થશે. વિરોધ પક્ષો પાસે બહુમતી હોવાથી શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બની શકે છે. પીએમ બનતા પહેલા શરીફે કહ્યું હતું કે, અમે બદલાની રાજનીતિને બિલકુલ પ્રોત્સાહિત કરીશું નહીં, કોઈની સામે બિનજરૂરી કાર્યવાહી કરવામાં આવશે નહીં.
પાકિસ્તાનના સંસદમાં ઇમરાન સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. ઈમરાન ખાન બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. સરકારને પાડવા માટે અમેરિકાનો હાથ હોવાનો ઈમરાન ખાને આક્ષેપ કર્યો હતો.