નવી દિલ્હીઃ ઈરાને પાકિસ્તાન પર હવાઈ હુમલો કરતા પાકિસ્તાનમાંથી ઈરાની રાજદૂતની હકાલપટ્ટી કરવામાં આવી છે. પાકિસ્તાને ઈરાનના તેહરાનથી પાકિસ્તાની રાજદૂતને પરત બોલાવી લીધો છે. પાકિસ્તાનના વિદેશ મામલાના પ્રવક્તા મુમતાજ જેહરા બલોચે જણાવ્યું છે કે, ઈરાનના રાજદૂતને ઈસ્લામાબાદ પરત ફરવાની મંજૂરી આપવામાં નહીં આવે. ઈરાને હવાક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે અને મિસાઈલ હુમલામાં બે બાળકોના મોત થયા છે.
પાકિસ્તાને ઈરાન સાથે તમામ ઉચ્ચ સ્તરીય યાત્રા સ્થગિત કરી દીધી છે. ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના સીમાવર્તી પંજગૂર વિસ્તારમાં સુન્ની આતંકી જૂથ જૈશ અલ અદલના બે ઠેકાણા પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ આતંકી જૂથે અગાઉ પણ પાકિસ્તાન પાસે આવે સીમાવર્તી વિસ્તારમાં ઈરાનના સુરક્ષાબળ પર હુમલો કર્યો હતો. ઈરાને પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો તેના એક દિવસ પહેલા તેના પાડોશી દેશ ઈરાક અને સીરિયા પર પણ આ પ્રકારનો હુમલો કર્યો હતો.