નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370ની જોગવાઈઓને હટાવીને તેને અસરહીન કર્યાબાદ પાકિસ્તાન દુનિયાભરમાં પોતાની છાતી પીટતું દેખાઈ રહ્યું છે. દરેક પ્રકારની કોશિશો અસફળ થયા બાદ હવેપાકિસ્તાન એલઓસી પર અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે.
સૂત્રોનું માનવું છે કે પાકિસ્તાની સરકારે સીમા પર મોટી સંખ્યામાં પોતાની સેનાની તેનાતી કરી છે. આ સિવાય ઓછી રેન્જની તોપોને પણ સીમા પર તેનાત કરવામાં આવી છે.
કાશ્મીરના મામલામાં આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન તમામ સ્થાનો પર ધૂળ ચાટતું દેખાઈ રહ્યું છે. આ તમામ બાબતો છતા પાકિસ્તાન સુધરવાનું નામ લઈ રહ્યું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનથી લઈને નેતા અને હવે તેના ક્રિકેટર પણ કાશ્મીર પર બકવાસ કરતા દેખાઈ રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે આવામને સંબોધિત કરતા ભારત પર પરમાણુ હુમલાની ધમકી પણ આપી દીધી હતી.
ઈમરાન ખાને કહ્યુ હતુ કે જો આ મામલો વધે છે, તો યુદ્ધની સ્થિતિ પેદા થશે. ભારતે યાદ રાખવું જોઈએ કે બંને દેશોની પાસે પરમાણુ હથિયાર છે અને તેની અસર માત્ર ભારત અને પાકિસ્તાન પર જ નહીં પડે, પરંતુ આખી દુનિયા પર પડશે. ઈમરાનખાને આગળ કહ્યુ છે કે પાકિસ્તાન આ મામલા પર પોતાના આખરી શ્વાસ સુધી લડશે અને કોઈપણ હદ સુધી જઈ શકે છે.
આના પહેલા પાકિસ્તાન તરફથી સીમા પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તો ભારતીય સેના દ્વારા બોફોર્સ તોપોથી પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે. તાજેતરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમના લગભગ છ જવાન ઠાર કર્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને સીમા પર સ્પેશયલ સર્વિસ ગ્રુપ, કમાન્ડો ફોર્સ અને બેટ ટીમના જવાનોને તેનાત કર્યા છે.
ગત 31 જુલાઈ અને 1 ઓગસ્ટે ભારતીય સેનાએ પાકિસ્તાની બેટ દ્વારા થઈ રહેલી ગેરકાયદેસર ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી દીધી હતી. તેની સાથે જ સીમા પર આતંકવાદી સંગઠનોની સક્રિયતા પણ વધી ગઈ છે. આ તમામ ગ્રુપ મસૂદ અઝહર સાથે જોડાયેલા છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓને ટ્રેનિંગ આપીને સીમા પાર કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. પીઓકેના રાવલકોટ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં આતંકવાદી ગતિવિધિઓને વધારવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે.