Site icon Revoi.in

પાકિસ્તાને SCO મીટિંગ માટે PM મોદીને આપ્યું આમંત્રણ

Social Share

નવી દિલ્હીઃ  પાકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે PM નરેન્દ્ર મોદીને ઑક્ટોબરમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે,  ભારતની સાથે ચીન અને પાકિસ્તાન પણ શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંપૂર્ણ સભ્ય છે. SCOના અન્ય સભ્ય દેશોમાં રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાનનો સમાવેશ થાય છે.

પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે 15-16 ઑક્ટોબરે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભારતે હજુ સુધી આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.

ભારત તરફથી કોણ હાજર રહેશે?

પાકિસ્તાની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું છે કે આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કેટલાક દેશોએ પહેલાથી જ SCO હેડ ઓફ સ્ટેટ સમિટમાં તેમની સહભાગિતાની પુષ્ટિ કરી છે. બલોચે કહ્યું છે કે કયા દેશે પુષ્ટિ કરી છે તે સમયસર જણાવવામાં આવશે. જોકે, કોન્ફરન્સમાં કોણ ભાગ લેશે તે ભારતે હજુ જાહેર કર્યું નથી.

SCO નું મહત્વ શું છે?

SCO સમિટ પહેલા મંત્રી સ્તરની મંત્રણા અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકોના અનેક રાઉન્ડ યોજાશે. તે સભ્ય દેશો વચ્ચે નાણાકીય, આર્થિક, સામાજિક-સાંસ્કૃતિક અને માનવતાવાદી સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. મહત્ત્વનું છે કે, SCO એ ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનું એક પ્રભાવશાળી આર્થિક અને સુરક્ષા જૂથ છે.