Site icon Revoi.in

પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની ગુમાવવાનો ભય !

Social Share

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી છે, પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન રઝા નકવીનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભારતે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલશે કે નહીં. દરમિયાન મોહસિન નકવીના એક નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે.

મોહસીન નકવીએ કહ્યું હતું કે, “ભારતીય ટીમે ચોક્કસપણે અહીં આવવું જોઈએ. મને નથી લાગતું કે ટીમ ઈન્ડિયા અહીં આવવાનું રદ કરશે અથવા તેની યોજનાઓ મુલતવી રાખશે. અમને પૂરો વિશ્વાસ છે કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં જ થશે.” નકવીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાન ભારત સહિત અન્ય તમામ ટીમોની યજમાની માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ શેડ્યૂલ મુજબ ચાલી રહી છે. પીસીબીને વિશ્વાસ છે કે ફેબ્રુઆરી સુધીમાં પાકિસ્તાનના મેદાન ખૂબ જ સારી સ્થિતિમાં હશે.

પાકિસ્તાન દ્વારા ICCને મોકલવામાં આવેલા પ્રસ્તાવિત કાર્યક્રમ અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને ફાઈનલ 9મી માર્ચે રમાશે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે કે નહીં તે વિષય પર બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા અન્ય કોઈ દેશમાં રમવા જશે કે નહીં તે નિર્ણય માત્ર ભારત સરકારના હાથમાં છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન પીસીબી ચીફ મોહસિન નકવીને પણ પૂછવામાં આવ્યું કે શું તેઓ જય શાહને મળશે, જેઓ આઈસીસીના નવા અધ્યક્ષ બનશે. આના જવાબમાં નકવીએ કહ્યું કે, “મને નથી લાગતું કે આ બેઠક અંગે હજુ સુધી કંઈપણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એક તરફ હાઈબ્રિડ મોડલને લઈને કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, તો બીજી તરફ પાકિસ્તાન પણ આ બેઠકને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.