પાકિસ્તાન: કોર્ટ કાર્યવાહીમાં ISIનો હસ્તક્ષેપ, ઈસ્લામાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ માંગી મદદ
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટેના છ ન્યાયમૂર્તિઓએ દેશની શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ પર ન્યાયપાલિકાની કામગીરીમાં હસ્તક્ષેપનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મુદ્દે ન્યાયમૂર્તિઓએ પાકિસ્તાનના ન્યાયીક પરિષદને પત્ર લખ્યો છે. જજોએ જણાવ્યું હતું કે, દેશની ગુપ્તચર એજન્સીઓ હાઈકોર્ટ ઉપર વિવિધ પ્રકારે દબાણ બનાવે છે, જેથી ન્યાયપાલિકાની કામગીરીને અસર થાય છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ ન્યાયીક પરિષદ પાસે મદદની માંગણી કરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ઈસ્લામાબાદ હાઈકોર્ટના છ ન્યાયમૂર્તિઓએ સહી કરીને ન્યાયીક પરિષદને ચિઠ્ઠી લખી છે. જેમાં આ મામલે હસ્તક્ષેપની માંગણી કરી છે. સહી કરનાર ન્યાયધીશોમાં જસ્ટીસ મોહસીન અખ્તર ક્યાની, ન્યાયમૂર્તિ બાબર સત્તાર, જસ્ટિસ સરદાદ ઈઝાઝ ઈશાક ખાન, જસ્ટીસ તારીક મહમૂદ જહંગીરી, ન્યાયમૂર્તિ સમન રફત ઈમ્તિયાઝ અને ન્યાયમૂર્તિ અરબાબ મોહમ્મદ તાહિરનો સમાવેશ થાય છે.
ન્યાયીક પરિષદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ ઉપર કાર્યવાહી કરતી ઉચ્ચ સંસ્થા છે. દરમિયાન હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ ન્યાયીક પરિષદ પાસે મદદની માંગણી કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, અમે ન્યાયધીશના કર્તવ્યના સંબંધમાં ઉચ્ચ ન્યાયીક પરિષદને પત્ર લખી રહ્યાં છીએ. ન્યાયમૂર્તિઓની ફરજ હોય છે કે, સુરક્ષા એજન્સીઓ તથા સરકાર દ્વારા ન્યાયપાલિકા ઉપર દબાણ બનાવવા મામલે ન્યાયીક પરિષદને ફરિયાદ કરીએ. અમે આ મામલે આપવામાં આવતી ધમકીઓ પણ સામે લાવવા માંગીએ છીએ. આમ હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓને ધમકી આપવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટે ઈસ્લામાબાદ હાઈકોર્ટના જસ્ટિસ અઝીઝ સિદ્દીકીને પદ પરથી હટાવવાને ગેરકાયદે જાહેર કર્યા બાદ આ માંગણી કરવામાં આવી છે. એક ભાષણ દરમિયાન અઝીઝી સિદ્દીકીએ દેશની ગુપ્તચર એજન્સી ISI પર કોર્ટની કાર્યવાહીમાં અવરોધ કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યાર બાદ તેને 2018માં બરતરફ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં હાઈકોર્ટના ન્યાયાધીશોએ ISI પર જસ્ટિસ સિદ્દીકીએ ઉઠાવેલા પ્રશ્નોની તપાસ કરવાની પણ માંગણી કરી છે.
વર્ષોથી પાકિસ્તાનમાં સરકારને બદલે આર્મીનું જ ચાલતું હોવાનું સમગ્ર દુનિયા જાણે છે. જ્યારે પાકિસ્તાનના સત્તાધીશો અને સુરક્ષા એજન્સીઓને કોર્ટની કોઈ બીક કે ડર ના હોય તેવી રીતે વર્તન કરી રહ્યાં છે. ત્યારે હવે હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ પત્ર લખીને ગુપ્તચર એજન્સીઓની દખલગીરીને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.