અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જળ અને જમીન સરહદથી જોડાયેલું છે. ત્યારે પાકિસ્તાન મરિન સિક્યુરિટીની ભારતીય જળસીમામાં ચાંચિયાગીરી વધી છે. તેમજ અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કરવામાં આવતા માછીમાર પરિવારમાં ભય ફેલાયો છે. આ મહિનામાં ભારતીય જળસીમામાંથી માછીમારોનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરવામાં આવ્યાની આ બીજી ઘટના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના દરિયામાં ભારતીય જળસીમાની અંદર માછીમારો માછીમારી કરી રહ્યાં હતા ત્યારે અચાનક પાકિસ્તાન મરિન સિક્યુરિટી એજન્સીના જવાનો આવી ચડ્યાં હતા. તેમજ માછીમારો કંઈ સમજે તે પહેલા જ પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનોએ બંદૂક બતાવીને 18 માછીમારોનું 3 બોટ સાથે અપહરણ કર્યું હતું. તેમજ આ બોટોને કરાંચી લઈ જવાની કવાયત શરૂ કરી હતી. આ 3 બોટ પૈકી બે પોરબંદરની અને એક વેરાવળની હોવાનું જાણવા મળે છે. ભારતીય માછીમારોના અપહરણની જાણ થતા તેમના પરિવારજનો અને અન્ય માછીમારોમાં ભય ફેલાયો છે. તેમજ પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ માછીમારોને મુક્ત કરાવવાની માંગણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 13મી ફેબ્રુઆરીના રોજ પઆ પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ ભારતીય જળસીમામાં પ્રવેશીને 3 બોટ સાથે 17 માછીમારોનું અપહરણ કર્યું હતું. પાકિસ્તાન દ્વારા અવાર-નવાર ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કરવામાં આવે છે. પરંતુ તેમની બોટ પરત આપવામાં આવતી નથી. હાલ પાકિસ્તાનમાં ભારતીય માછીમારોની 1100 જેટલી બોટ છે. જેથી આ બોટોને પણ મુક્ત કરાવવાની માંગણી ઉઠી છે.