જમ્મુ-કાશ્મીરના નામે ક્ષેત્રમાં તણાવ વધારવાની નાપાક હરકત પાકિસ્તાન છોડવા તૈયાર નથી. એક તરફ તેના વડાપ્રધાન ઈમરાન ખાન સંસદમાંથી પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યા છે અને આ જ્ઞાન પણ વહેંચી રહ્યા છે કે આ યુદ્ધમાં કોઈ વિજેત થશે નહીં. બીજી તરફ પાકિસ્તાને નવા મિસાઈલ પરીક્ષણોની તૈયારી શરૂ કરી દીધી છે.
એએનઆઈ પ્રમાણે, પાકિસ્તાને આના માટે જરૂરી નોટામ એટલે કે નોટિસ ટુ એરમેન પ્રોટોકોલ અને નૌસૈનિકોને ચેતવણી પણ જાહેર કરી દીધી છે.
આ સંભવિત મિસાઈલ પરીક્ષણ સિંધ પ્રાંતના કરાચીમાં થાય તેવી શક્યતા છે. કરાચીની પાસે પાકિસ્તાની સેનાની સોનમિયાની ફ્લાઈટ ટેસ્ટ રેન્જ આવેલી છે. ત્રણ દિવસ માટે કરાચીના એરસ્પેસને પણ બંધ કરવામાં આવ્યો છે.
સ્થાનિક મીડિયાને ટાંકીને ન્યૂઝ-18એ દાવો કર્યો છે કે પાકિસ્તાન નાગરીક ઉડ્ડયન ઓથોરિટીએ બુધવારે 28-08-2019ના રોજ એક નોટામ જાહેર કર્યું છે, જેમા કરાચી હવાઈ ક્ષેત્રના ત્રણ માર્ગ 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.