યુરોપિયન યુનિયનમાં બાસમતી ચોખાનો વિશેષ ટ્રેડ માર્ક મેળવવા ભારતની અરજીનો પાકિસ્તાન દ્વારા વિરોધ
નવી દિલ્હીઃ ભારતના બાસમતી ચોખાની માગ હવે વિદેશમાં પણ વધી રહી છે. ભારત અને પાકિસ્તાનની ખાણીપીણીમાં પણ બાસમતી ચોખાનું વિશેષ સ્થાન છે. બાસમતી ચોખા વિના પુલાવ અથવા બિરયાનીની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ હવે આ બે પાડોશી દેશો વચ્ચે બાસમતી ચોખાને કારણે વિવાદ ઊભો થયો છે. ભારતે બાસમતીના વિશેષ ટ્રેડમાર્ક માટે યૂરોપિયન યૂનિયનમાં અરજી કરી છે. આ અરજી સ્વીકારવામાં આવે તો યૂરોપીય યૂનિયનમાં બાસમતીના ટાઈટલનો હક ભારતને મળી જશે, પરંતુ પાકિસ્તાન તેનો વિરોધ કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રોટેક્ડેટ જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન(પીજીઆઈ)નો દરજ્જો એવા ખાસ ભૌગોલિક ક્ષેત્ર સાથે જોડાયેલા ઉત્પાદનો માટે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ પૂરું પાડે છે જ્યાં તેના ઉત્પાદન અથવા તૈયારીનો ઓછામાં ઓછો એક તબક્કો સંપૂર્ણ થતો હોય. ઉલ્લેખનીય છે કે ભારતને દાર્જિલિંગ ચા, કોલંબિયાને કૉફી તેમજ અનેક ફ્રેન્ચ વસ્તુઓને પણ પીજીઆઈ ટેગ મળેલ છે. આવી વસ્તુઓની નકલ કરવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે અને બજારમાં તેની કિંમત પણ વધારે હોય છે.
નોંધનીય છે કે દુનિયાભરમાં બાસમતીની નિકાસ માત્ર ભારત અને પાકિસ્તાન જ કરે છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર, દુનિયામાં સૌથી વધારે બાસમતીની નિકાસ ભારત દ્વારા કરવામાં આવે છે, જેની વાર્ષિક આવક 6.8 અબજ ડોલર છે. પાકિસ્તાન 2.2 અબજ ડોલર સાથે ચોથા ક્રમાંકે છે. પાકિસ્તાને યુરોપિયન કમિશનમાં ભારતની અરજીનો વિરોધ કર્યો છે. પાકિસ્તાને પાછલા ત્રણ વર્ષમાં યૂરોપિયન સંઘને બાસમતીની નિકાસ વધારી છે. સંઘના આંકડા અનુસાર, હવે પાકિસ્તાન ક્ષેત્રની લગભગ 3,00,000 ટન વાર્ષિક માંગના બે-તૃતિયાંશ ભાગની પૂર્તિ કરે છે. પાકિસ્તાન રાઈસ એક્સપોર્ટર્સ અસોસિએશનના ઉપાધ્યક્ષ મલિક ફૈસલ જહાંગીરનો દાવો છે કે પાકિસ્તાની બાસમતી વધારે જૈવિક અને સારી ગુણવત્તાના હોય છે.
ભારતનું કહેવું છે કે, તેણે પોતાની અરજીમાં હિમાલયની તળેટીમાં ઉગાવવામાં આવતા ખાસ ચોખાના એકમાત્ર ઉત્પાદક હોવાને દાવો નથી કર્યો, પરંતુ પીજીઆઈનો ટેગ મળવાથી તેમને આ માન્યતા મળી જશે. ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ અસોસિએશનના પૂર્વ અધ્યક્ષ વિજય સેતિયા જણાવે છે કે, ભારત અને પાકિસ્તાન લગભગ 40 વર્ષથી અલગ અલગ બજારોમાં વિવાદ વિના બાસમતીની નિકાસ કરી રહ્યા છે. બન્ને વચ્ચે હેલ્ધી કોમ્પિટિશન છે. મને નથી લાગતું કે પીજીઆઈને કારણે કંઈ બદલાશે.