ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના પાટનગર પેશાવરમાં પાકિસ્તાનની પહેલી અને એકમાત્ર શીખ સ્કૂલ બનાવવામાં આવશે.
પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. ખૈબર પખ્તૂનખ્વાંના પ્રાંતિય ઔફાક વિભાગે સ્કૂલ નિર્માણને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. વિભાગ દ્વારા શીખ સ્કૂલના નિર્માણ માટે પેશાવરમાં 22 લાખ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે.
ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પોતાના વાર્ષિક બજેટ 2019-20માં પ્રાંતીય સરકારે 5.5 કરોડ રૂપિયા લઘુમતી કલ્યાણ માટે ફાળવ્યા છે. એટલું જ નહીં, લઘુમતી સમુદાયના તહેવારોના આયોજનમાટે 86 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું છે કે શીખ સમુદાયના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના સમુદાય માટે અલગ સ્કૂલની સ્થાપનાનો આગ્રહ કર્યો હતો.
જો કે પાકિસ્તાનની ચાલ કરતારપુર કોરિડોરને લઈને સુસ્ત છે. પાકિસ્તાન તરફ માત્ર બે લેનની સડક બની રહી છે. જ્યારે ભારત કરતારપુર કોરિડોર માટે પોતાની તરફ છ લેનનો હાઈવે અને પ્રતિદિવસ દશ હજાર શ્રદ્ધાળુઓને સેવા ઉપલબ્ધ કરાવવા માટે એરપોર્ટની સુવિધાઓથી સજ્જ ટર્મિનલ તૈયાર કરી રહ્યું છે. પાકિસ્તાન પ્રતિદિન 700 શ્રદ્ધાળુથી વધારેની મર્યાદા સ્વીકારવા માટે પણ તૈયાર નથી.