POKના મુઝફ્ફરાબાદની રેલીમાં પાકિસ્તાની પીએમ ઈમરાનખાન નિયાઝી સામે સૂત્રોચ્ચાર કરનાર સ્ટૂડન્ટ્સ સામે FIR
- પીઓકેમાં ઈમરાનખાન વિરુદ્ધ સૂત્રોચ્ચારનો મામલો
- ગો નિયાઝી ગો- સૂત્રોચ્ચાર કરનાર સામે એફઆઈઆર
- મુઝફ્ફરાબાદ રેલીમાં સ્ટૂડન્ટ્સે કર્યો હતો સૂત્રોચ્ચાર
પીઓકેના પાટનગર મુઝફ્ફરાબાદમાં એક જાહેરસભાને સંબોધિત કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ રેલીમાં એકઠી થયેલી ભીડે ગો-નિયાઝી-ગો-ના સૂત્રો પોકાર્યા હતા.
પાકિસ્તાનના મીડિયાનો રિપોર્ટ છે કે મુઝફ્ફરાબાદની રેલી દરમિયાન ઈમરાન ખાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનારા સ્ટૂડન્ટ્સ અને યુવાનો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભલે કાશ્મીર મુદ્દા પર ભારત વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા હોય. પરંતુ હવે સંસદની અંદર પણ તેમની વિરુદ્ધ ગો-બેકના સૂત્રો લાગી રહ્યા છે.
મુઝફ્ફરાબાદમાં શુક્રવારે કાશ્મીરના સમર્થનમાં આયોજીત ઈમરાન ખાનના જલસાના ઠીક પહેલા મોટી સંખ્યામાં ભીડે ગો નિયાઝી ગો બેકના સૂત્રો લગાવ્યા હતા. નિયાઝી ઈમરાન ખાનની અટક છે.
ઈમરાનની નિયાઝી અટક પાકિસ્તાનીઓને 1971ના યુદ્ધમાં ભારતની સામે તેની થયેલી શરમજનક હારની યાદને તાજી કરે છે.
પાકિસ્તાની સેનાના તત્કાલિન કમાન્ડિંગ ઓફિસર, લેફ્ટિનન્ટ જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાજીએ ભારતીય સેનાના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ જગજીતસિંહ અરોડા સામે 16 ડિસેમ્બર-1971ના રોજ સમર્પણ કર્યું હતું.
કોણ છે નિયાજી?
નિયાજી પખ્તૂન છે, તેઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના હિસ્સાઓમાં વસવાટ કરે છે. પાકિસ્તાનમાં તેઓ મોટાભાગે મિયાંવાલીમાં રહે છે. જો કે આમિર અબ્દુલ્લા નિયાજી અને ઈમરાનખાન બંને લાહોરમાં પેદા થયો હતો.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શુક્રવારે જલસામાં કોઈ ખાસ ભીડ ન હતી અને સામાન્ય લોકો આયોજનથી દૂર રહ્યા હતા. પ્રશાસને સરકારી અધિકારીઓને લાવીને ત્યાં જગ્યા ભરવાનું કામ કર્યું હતું. કેટલાક લોકોએ તો જલસાને એક ફ્લોપ શો ગણાવ્યો હતો.
ત્યાં સુધી કે જ્યારે ગુરુવારે રાષ્ટ્રપ્રમુખ આરિફ અલ્વી સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષના સાંસદોએ ઈમરાનને નિશાન બનાવીને ગો નિયાઝી ગો-ના સૂત્રો લગાવ્યા હતા.