નવી દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાવાલીના મલ્લા ખેલના પહાડી વિસ્તારમાં ભીષણ અથડામણમાં પોલીસે 10 આતંકવાદીઓને ઠાર માર્યા હોવાનો દાવો કર્યો છે. પંજાબ પોલીસના પ્રવક્તાએ ગુરુવારે આ જાણકારી આપી હતી. 10 થી 15 આતંકવાદીઓની હાજરીની માહિતી મળતા મિયાંવાલીના વરિષ્ઠ પોલીસ અધિકારી અખ્તર ફારૂકના નેતૃત્વમાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે જવાબી કાર્યવાહીમાં 10 આતંકીઓને ઠાર કર્યા હતા
ત્યારે પોલીસ અધિકારીઓએ આતંકીઓને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આતંકવાદીઓએ પોલીસ ઉપર ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહીમાં 10 આતંકીઓને ઠાર કર્યા હતા. 2021 માં પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર સત્તામાં આવી ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા વધી ગયા છે. આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંત ખૈબર પખ્તુનખ્વા અને દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાનમાં રક્તપાત શરૂ કર્યો છે.
આતંકીઓને ખતમ કરવા માટે મોટું ઓપરેશન શરૂ કર્યું
આ બંને પ્રાંત અફઘાનિસ્તાન અને ઈરાનને અડીને આવેલા છે. પાકિસ્તાન સરકારે કાબુલના વચગાળાના શાસકો પર અફઘાન ધરતી પર આશરો લઈ રહેલા આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં આ વર્ષે જૂનમાં સંઘીય કેબિનેટે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી ઓપરેશન ઓપરેશન આઝમ-એ-ઇસ્તેકમને મંજૂરી આપી હતી. આ પછી સુરક્ષાદળો અને પોલીસે આતંકીઓને ખતમ કરવા માટે મોટું ઓપરેશન શરૂ કર્યું.