પાકિસ્તાનઃ પોલીસ અધિકારીના બેંક ખાતામાં અચાનક રૂ. 10 કરોડની રકમ જમા થઈ
નવી દિલ્હીઃ પાકિસ્તાનના કરાચીમાં એક પોલીસ અધિકારીના ખાતામાં કરોડો રૂપિયા જમા થયાં હતા. એક ‘અજાણ્યા’ વ્યક્તિએ તેમના બેંક ખાતામાં 10 કરોડ રૂપિયા જમા કરાવ્યા. આ અધિકારીના ખાતામાં પગારની રકમ સાથે વધારાના 10 કરોડ રૂપિયા જમા થયાની જાણ થતા પોલીસ વર્તુળમાં પણ તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી.
કરાંચીના પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અમીર ગોપાંગના ખાતામાં મોટી રકમ જમા થઈ હતી. તેઓ પોતાના ખાતામાં અચાનક 10 કરોડ જમા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગોપાંગે કહ્યું કે મારા ખાતામાં થોડા હજાર રૂપિયાથી વધુ ક્યારેય આવ્યા નથી.
જો કે, પોલીસ અધિકારી પોતાના બેંક ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન કરે તે પહેલાં, બેંકે ખાતાને સીલ કરી દીધું અને ઉપાડ અટકાવવા માટે તેનું એટીએમ કાર્ડ બ્લોક કરી દીધું હતું. હવે બેંકની સાથે કરાચી પોલીસ પણ ખાતામાં આટલી મોટી રકમ આવવાની તપાસ કરી રહી છે. આ રકમ કેવી રીતે અને ક્યાંથી આવી તેની તપાસ કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના લાડકાના અને સક્ખરમાં આવી જ ઘટના સામે આવી હતી. અનેક પોલીસ અધિકારીઓના બેંક ખાતામાં મોટી રકમ જમા થઈ હતી. લાડકાનાના 3 પોલીસ અધિકારીઓના બેંક ખાતામાં રૂ. પાંચ-પાંચ કરોડ જમા થયાં છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.