Site icon Revoi.in

કાશ્મીર પર ધોબીપછાડ બાદ હવે ચીન જશે ઈમરાન, જનરલ બાજવા પણ હશે સાથે

Social Share

જમ્મુ-કાશ્મીરના મામલા પર દુનિયાભરમાં દુષ્પ્રચાર કરવામાં લાગેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મંગળવારે ચીન જઈ રહ્યા છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાત પહેલા ઈમરાનખાનની બીજિંગ મુલાકાતમાં તેઓ રાગ કાશ્મીર આલાપીને સમર્થનની માગણી કરે તેવી શક્યતા છે. ઈમરાનખાનની ચીન મુલાકાત બે દિવસની હશે. ઈમરાનખાન ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને વડાપ્રધાન લી કેકિયાંગ સાથે બેઠક કરશે.

રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને વડાપ્રધાન લી કેકિયાંગ ઈમરાનખાનના સમ્માનમાં ડિનરની યજમાની પણ કરશે. ઈમરાનખાન સાથે વિદેશ પ્રધાન સહીત એક ઉચ્ચસ્તરીય ડેલિગેશન પણ હશે. ઈમરાન ખાનની સાથે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા પણ હશે. તે રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ અને વડાપ્રધાન કેકિયાંગની સાથે યોજાનારી બેઠકમાં પણ હાજર રહેશે.

ઈમરાનખાનની સાથે વિદેશ પ્રધાન, રેલવે પ્રધાન, યોજના પ્રધાન, વડાપ્રધાનના વ્યાપાર સલાહકાર, પેટ્રોલિયમ મામલાના વડાપ્રધાનના વિશેષ સહયોગીનું એક ડેલિગેશન ચીનની પ્રવાસે જશે. બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષ તાજેતરના વર્ષોમાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ઘણી વખત દ્વિપક્ષીય બેઠકો કરી ચુક્યું છે. ઈમરાનખાન આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર સહીત અન્ય ઘણાં મુદ્દા ઉઠાવે તેવી શક્યતા છે અને આખા દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં શાંતિ બહાલીની સ્થિતિ પર ચર્ચા કરે તેવી શક્યતા છે.

કહેવામાં આવે છે કે ઈમરાનખાનની આ યાત્રા પાકિસ્તાનના આર્થિક, રોકાણ અને ચીનની સાથેના રણનીતિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદગાર હશે. બેઠકમાં વડાપ્રધાન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પ્રોજેક્ટના અમલીકરણની કોશિશને ગતિ આપવા માટે સરકાર તાજેતરના ઐતિહાસિક નિર્ણયો સંદર્ભે ચીનના નેતૃત્વને અવગત કરાવશે.

દ્વિપક્ષીય વ્યાપાર, વાણિજ્યિક અને રોકાણ ભાગીદારીને વધુ અસરકારક બનાવવા માટે ચીની વેપાર અને કોર્પોરેટ ક્ષેત્રને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે વાતચીત થશે. વડાપ્રધાન ઈમરાનખાન બીજિંગ આંતરરાષ્ટ્રીય બાગવાની એક્સપોના સમાપન સમારંભમાં પણ મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. જ્યાં પ્રીમિયર લી કેકિયાંગ યજમાની કરશે.