પાકિસ્તાનઃ લશ્કરને છુટોદોર અપાયા બાદ ઈમરાનના સમર્થકોનું વિરોધ પ્રદર્શન સમેટાયું
લાહોરઃ પાકિસ્તાનમાં ચાલી રહેલી મોત અને હિંસાનો ખેલ હવે ખતમ થઈ જશે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ વિરોધ પ્રદર્શનનો અંત લાવી દીધો છે. વાસ્તવમાં, જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોનું મનોબળ ત્યારે તૂટી ગયું જ્યારે સુરક્ષા દળોએ અડધી રાત્રે મોટી કાર્યવાહી કરી હતી. સૈનિકોએ ઇસ્લામાબાદમાં એકઠા થયેલા હજારો પીટીઆઇ સમર્થકોને વિખેરવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. કાર્યવાહીના કારણે સમર્થકોને ડી-ચોક અને રાજધાનીના આસપાસના જિલ્લાઓ ખાલી કરવાની ફરજ પડી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર પીટીઆઈના સમર્થકો ઈસ્લામાબાદમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ડી-ચોક તરફ કૂચ કરવા માંગતા હતા. આ વિરોધ 24 નવેમ્બરથી ચાલી રહ્યો હતો. દેખાવકારોએ અગાઉ બેરિકેડ તોડી નાખ્યા હતા અને ઉચ્ચ સુરક્ષાવાળા રેડ ઝોનમાં પ્રવેશ્યા હતા, જેના કારણે સુરક્ષાદળોએ કાર્યવાહી કરી હતી. પાર્ટીએ મંગળવારે રાત્રે કરવામાં આવેલી કાર્યવાહીને ‘ફાસીવાદી લશ્કરી શાસન’ હેઠળ નરસંહાર ગણાવ્યો હતો. પ્રદર્શન સમાપ્ત કર્યા પછી, પાર્ટીએ કહ્યું કે ઇમરાનના માર્ગદર્શન હેઠળ આગળની જાહેરાત કરવામાં આવશે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે લગભગ 450 દેખાવકારોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ કહ્યું કે તે સુરક્ષા દળો દ્વારા દેખાવકારોઓ પર હિંસક હુમલો કરાયો હતો, જેમાં તેઓએ શક્ય તેટલા લોકોને મારવાના ઈરાદાથી ગોળીબાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાનના સમર્થકો મોટી સંખ્યામાં કૂચ કરીને ઈસ્લામાબાદ તરફ જઈ રહ્યાં હતા. દરમિયાન સૂરક્ષા જવાનોએ તેમને અટકાવવાના પ્રયાસ કરતા અથડામણ થઈ હતી. આ અથડામણમાં છ જેટલા સુરક્ષા જવાનોના મોત થયાનું જાણવા મળે છે.