દિલ્હીઃ ભારતમાં આવતીકાલે શનિવારથી કોરોના રસીકરણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુભારંભ કરાવશે. બીજી તરફ અમેરિકા સહિતના અન્ય દેશોમાં કોરોનાની રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાન કોરોનાની રસી માટે પોતાના પરમ મિત્ર એવા ચીન અને રશિયાની મદદની આશા રાખીને બેઠું છે. પાકિસ્તાનમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં રસીકરણ શરૂ કરવામાં આવશે.
પાકિસ્તાન મેડિકલ ઍસોસિયેશનના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સિનોફાર્મા દ્વારા બનાવેલી સિનોવૅકની ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા થઈ ગયા છે. પાકિસ્તાન રસી માટે રશિયા સાથે પણ વાતચીત કરી રહ્યું છે, જે હવે નિર્ણાયક દોરમાં છે. ટ્રાયલના ત્રણ તબક્કા સફળ રહ્યા છે, જે ડિસેમ્બરની 31 તારીખ સુધી ચાલતા રહ્યા. કુલ મળીને 18 હજાર વૉલન્ટિયરો પર પ્રયોગ કરાયો અને હવે અમને તેની ક્ષમતાને લઈને પૂરો વિશ્વાસ છે. પણ આખા દેશમાં રસી પહોંચાડવી અને લોકોને આપવી એક મોટો પડકાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં આવતીકાલથી સમગ્ર દેશમાં કોરોનાની રસીનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં બાંગ્લાદેશ સહિતના દેશોએ ભારત પાસે કોરોનાની રસીને લઈને મદદ પણ માંગી છે. ભારતમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે.