Site icon Revoi.in

આંતકની ફેકટરી ચલાવતું પાકિસ્તાન માનવાધિકારની વાત કરે તે માત્ર દેખાડો છે, UNHRCમાં ભારતનો પાક.ને આકરો જવાબ

Social Share

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, પાકિસ્તાન યુએનની યાદીમાં સામેલ આતંકવાદીઓને આશ્રય આપે છે, આમ આતંકવાદની ફેક્ટરીઓ ચલાવતુ પાકિસ્તાન ભારતીય લોકોના માનવાધિકારો વિશે ચિંતા વ્યક્ત કરે તે છેતરપિંડી સમાન છે. પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. આવી સ્થિતિમાં માનવાધિકાર પરિષદ તેની શક્તિઓનો ઉપયોગ કરે અને પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપતા અટકાવવું જોઈએ.

ભારતના સ્થાયી મિશનના ફર્સ્ટ સેક્રેટરી પવન કુમારએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને ફરી એકવાર ભારત વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ પ્રચારને પોત્સાહન માટે પ્રતિષ્ઠિત પરિષદ ધ્વારા પુરુ પાડવામાં આવેલા મચનો દુરઉપયોગ કરી રહ્યું છે. મારું પ્રતિનિધિમંડળ તેમના પાયાવિહોણા નિવેદનોને નકારી કાઢે છે, તેઓ અમારા પ્રતિભાવને લાયક નથી. તેમણે કહ્યું કે અમે OICના નિવેદનમાં ભારત માટેના તથ્યપૂર્ણ રીતે ખોટા અને અયોગ્ય સંદર્ભોને નકારીએ છીએ. અમને ખેદ છે કે OIC દેશો, જેની સાથે અમે ગાઢ સંબંધો શેર કરીએ છીએ, તેઓ પાકિસ્તાનને OIC પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને ભારત વિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવાથી રોકવામાં નિષ્ફળ રહ્યા છે.

તેમણે કહ્યું કે, પોતાના ટોચના નેતૃત્વને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાને ભૂતકાળમાં ખુલ્લેઆમ કબૂલ્યું છે કે તેઓ આતંકવાદી જૂથો રચે છે અને તેમને અફઘાનિસ્તાન અને ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં લડવા માટે તાલીમ આપે છે.

તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન દ્વારા ભારતીયોના માનવાધિકારોની વાત કરવી અયોગ્ય છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિબંધિત આતંકોની મોટી સંખ્યા પાકિસ્તાનની ધરતી પર કામ કરી રહી છે. પાકિસ્તાન માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને ખતરામાં મુકવા માટે જવાબદાર છે. અમે પરિષદને આગ્રહ કરી છે કે, તેઓ પાકિસ્તાનને તેના રાજ્ય પ્રાયોજિત આતંકવાદને ખતમ કરવા અને તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરવા માટે વિશ્વસનીય પગલાં ભરવાનું કહે.