પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં શનિવારે ભારતીય હાઇ કમિશનની ઇફ્તાર પાર્ટીમાં મહેમાનો સાથે પાકિસ્તાની અધિકારીઓની ગેરવર્તણૂંક પછી મામલો ગરમાયો છે. સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની એજન્સીઓએ હોટેલ સેરેનાની બહાર શનિવારે ઘેરાબંધી કરી અને મહેમાનોને ધમકાવ્યા, ત્યારબાદ તેમને પાછા મોકલી દીધા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમણે વિવિધ નંબરોથી મહેમાનોને ફોન કર્યા અને ધમકી આપી કે જો તેઓ ઇફ્તાર પાર્ટીમાં સામેલ થયા તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ મામલા પછી પાકિસ્તાનમાં ભારતીય હાઇ કમિશ્નર અજય બિસારિયાએ કહ્યું, અમે તે તમામ મહેમાનોની માફી માંગીએ છીએ, જેમને શનિવારે જબરદસ્તી પાછા મોકલવામાં આવ્યા. આવી હરકત ખૂબ નિરાશાજનક છે.
બિસારિયાએ કહ્યું કે તેમણે (પાકિસ્તાને) ન ફક્ત પાયાના રાજકીય આચરણ અને સભ્ય વ્યવહારનું ઉલ્લંઘન કર્યું છે પરંતુ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પણ ખરાબ કર્યા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ત્યાં પાકિસ્તાની અધિકારીઓએ દરવાજા બંધ કરી દીધા અને મહેમાનોને કહેવામાં આવ્યું કે ઇફ્તાર પાર્ટી રદ કરી દેવામાં આવી છે.
મહેમાનો સાથે ગેરવર્તનના કારણે ઇસ્લામાબાદ સ્થિત ઇન્ડિય હાઇ કમિશનની ઇફ્તાર પાર્ટીમાં કેટલાંક જ લોકો પહોંચ્યા. આ કાર્યક્રમમાં બિસારિયાએ કહ્યું કે હું તે તમામ દોસ્તોની માફી માંગું છું જેમને વધારાની તપાસમાંથી પસાર થવું પડ્યું. ઉલ્લેખનીય છે કે 1 જૂનના રોજ હાઇ કમિશને ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં પાકિસ્તાનના હાઇકમાન ઉપરાંત વડાપ્રધાન ઇમરાન ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના ઉપરાંત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી, વિદેશ સચિવ સોહેલ મહેમૂદ, સીનેટ ચેરમેન અને નેશનલ અસેમ્બલીના સ્પીકરને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું.