કાશ્મીર સહિતના મુદ્દા ઉકેલવાના પ્રયાસો વચ્ચે પાકિસ્તાને ભારતની પીઠમાં છરો ભોંક્યો હતોઃ રાજનાથ સિંહ
નવી દિલ્હીઃ 24મા કારગિલ વિજય દિવસ નિમિત્તે લદ્દાખના દ્રાસ ખાતે યુદ્ધ સ્મારક પર મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1999 માં આ દિવસે, ભારતે વિશ્વના સૌથી મુશ્કેલ યુદ્ધના મેદાનોમાંના એક, દ્રાસમાંથી પાકિસ્તાનને ભગાડીને કારગિલ યુદ્ધ જીત્યું હતું. આજે ભારત આ જીતની ઉજવણી કરી રહ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બુધવારે દ્રાસ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતા. તેમણે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જેમણે દેશ માટે પોતાનો જીવ ન્યોછાવર કર્યો. ઉપરાંત, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ દ્રાસમાં કારગીલ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
લદ્દાખના દ્રાસમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે આયોજિત મુખ્ય સમારોહને સંબોધતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કારગિલ યુદ્ધ ભારત પર લાદવામાં આવેલ યુદ્ધ હતું. તે સમયે દેશે પાકિસ્તાન સાથે વાતચીત દ્વારા મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોતે પાકિસ્તાનની મુલાકાત લઈને કાશ્મીર સહિત અન્ય મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાકિસ્તાને ભારતની પીઠમાં છરો ભોંક્યો હતો.
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, આજે ‘કારગિલ વિજય દિવસ‘ના શુભ અવસર પર, હું તમારી વચ્ચે હાજર રહીને ખૂબ જ ખુશ છું. સૌ પ્રથમ, હું ભારત માતાના તે બહાદુર સપૂતોને વંદન કરું છું, જેમણે માતૃભૂમિની રક્ષા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું. હું એ બહાદુર સપૂતોને સલામ કરું છું, જેમણે રાષ્ટ્રને પ્રથમ સ્થાન આપ્યું અને તેના માટે પોતાના જીવનનું બલિદાન આપતાં શરમાયા નહીં.
રાજનાથ સિંહે કહ્યું કે, ભારત માતાની રક્ષા માટે 1999માં કારગીલની ટોચ પર દેશના જવાનોએ જે બહાદુરી બતાવી હતી તે હંમેશા ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. આજે આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકીએ છીએ કારણ કે આપણા સૈનિકોએ શૂન્યથી નીચે તાપમાનમાં પણ ઓક્સિજનની અછત હોવા છતાં તેમની બંદૂકો ક્યારેય ઓછી કરી નથી.
તેમણે કહ્યું કે આજે આપણે ભારતના રૂપમાં જે વિશાળ ઈમારત જોઈ રહ્યા છીએ તે આપણા બહાદુર પુત્રોના બલિદાનના પાયા પર છે. ભારત નામનું આ વિશાળ વટવૃક્ષ એ બહાદુર સૈનિકોના લોહી અને પરસેવાથી સિંચાયેલું છે. તેના હજારો વર્ષના ઈતિહાસમાં આ દેશે અનેક ઠોકરોનો સામનો કરવો પડ્યો છે, પરંતુ તે પોતાના બહાદુર સૈનિકોના બળ પર વારંવાર ઉભો થયો છે.
તેમણે વધુમાં કહ્યું કે કારગીલની જીત સમગ્ર ભારતના લોકોની જીત હતી. 1999માં ભારતીય દળોએ કારગીલના શિખરો પર જે તિરંગો લહેરાવ્યો હતો તે માત્ર એક ધ્વજ નહોતો, પરંતુ તે આ દેશના કરોડો લોકોનું ગૌરવ હતું.