ઈસ્લામાબાદ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. બંને દેશોની સ્થિતિ ઘણી વણસી ચુકી છે. શનિવારે તાલિબાન સમર્થિત આતંકવાદીઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ઉત્તર વજીરિસ્તાનના જિલ્લાના મીર અલી શહેરમાં એક સૈન્ય ઠેકાણા પર હુમલો કરીને સાત પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા. પાકિસ્તાને નારાજ થઈને આ આતંકી હુમલાના બદલામાં સોમવારે સવારે ત્રણ વાગ્યે એરસ્ટ્રાઈક કરી હતી. તેમાં અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં બરમાલ જિલ્લા અને પક્તિકા પ્રાતંના સેપેરા જિલ્લામાં એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ હવાઈ હુમલાઓના કારણે આઠ લોકોના મોત નીપજ્યા હતા. તેનાથી અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર ગુસ્સે ભરાય છે. બંને દેશો વચ્ચે યુદ્ધ છેડાવાની સ્થિતિ પેદા થઈ ચુકી છે અને બોર્ડર પર પણ સ્થિતિ ગંભીર છે. આ દરમિયાન કંઈક એવું થયું છે કે જેનાથી પાકિસ્તાનને શર્મસાર થવું પડે.
પાકિસ્તાન પર થયેલા આતંકી હુમલાનો જવાબ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરીને આપ્યો. તેના પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડર પર સ્થિતિ ગંભીર થઈ અને થોડાક સમયગાળામાં બંને તરફથી ઘર્ષણો શરૂ થયા. પાકિસ્તાની સૈનિકોએ જ્યાં તાલિબાની સેના પર હુમલો કર્યો, તો તાલિબાની સેનાએ પણ હુમલાનો વળતો આકરો જવાબ આપ્યો. પાકિસ્તાની સેનાના લગભગ 100 સૈનિકોની ટુકડી અફઘાનિસ્તાનમાં ઘૂસી ગઈ. બંને તરફ જબરદસ્ત ફાયરિંગ થયું અને બંને પક્ષોના સૈનિકો ઘાયલ થયા હતા. તાલિબાનોની સંખ્યા વધુ હોવાથી પાકિસ્તાની સેનાની ટુકડી તેમનો સામનો કરી શકી નહીં. તેવામાં આ પાકિસ્તાની સૈનિકોને તાલિબાનો સામે ઘૂંટણિયા ટેકવા પડયા હતા.
માત્ર અફઘાનિસ્તાન સાથે જ નહીં, પરંતુ ઈરાન સાથે પણ પાકિસ્તાનને વિવાદ ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાન અને ઈન બંને પાકિસ્તાનના પાડોશી દેશ છે. કેટલાક સમય પહેલા ઈરાને પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી અને તેના જવાબમાં પાકિસ્તાને પણ હવાઈ હુમલો કર્યો હતો. તેના પછી પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો હતો.
15 ઓગસ્ટ, 2021ના રોજ તાલિબાન ફરીથી અફઘાનિસ્તાનમાં સત્તામાં પાછા ફર્યા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાનસ આવતા જ પાકિસ્તાનમાં આતંકી હુમલા વધ્યા. અફઘાનિસ્તાનની બોર્ડર પાસેના પાકિસ્તાની વિસ્તારોમાં ગત 30 માસમાં આતંકી ઘટનાઓ વધી છે. પાકિસ્તાનમાં અન્ય ઠેકાણાઓ પર પણ આતંકી હુમલા વધવા લાગ્યા છે. તો પોતાના દેશમાં આતંકી હુમલાના વધવાથી પાકિસ્તાન સરકાર તાલિબાનોથી નારાજ છે અને તેના કારણે આટલા વર્ષોથી પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહેતા લગભગ 17 લાખ અફઘાન શરણાર્થીઓને પાકિસ્તાને દેશનિકાલો આપ્યો છે. અત્યાર સુધીમાં પોણા ચાર લાખ અફઘાન શરણાર્થીઓને પાકિસ્તાન છોડવા માટે મજબૂર થવું પડયું છે. બાકી બચેલા અફઘાન શરણાર્થીઓએ પણ પાકિસ્તાન છોડવું પડશે. આ કારણથી બંને દેશો વચ્ચે તકરાર પેદા થઈ ચુકી છે અને તે વધી રહી છે. વખતોવખત બંને વચ્ચે બોર્ડર પર અથડામણો પણ થાય છે.