નવી દિલ્હી: આઇસીસી વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સતત પરાજ્ય મળતા તેમના દેશમાં ટીકાનો ભોગ બનવું પડ્યુ છે. પાકિસ્તાની મીડિયામાં પણ કેપ્ટન બાબર આઝમ પર માછલા ધોવામાં આવ્યા હતા. વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં સતત ચાર મેચ હાર્યા બાદ બાબર આઝમની ટીમ અંત સુધી રિકવર કરી શકી નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ પ્રથમ રાઉન્ડમાંથી જ શરમજનક હાર સાથે બહાર થઈ ગઈ છે. આ નિરાશાજનક પ્રદર્શન બાદ પોતાના દેશ પરત ફરતાની સાથે જ કેપ્ટન બાબર આઝમે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ બુધવારે શાન મસૂદને ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિમણૂંક કરી છે, જ્યારે શાહીન શાહ અફ્રિદીને T20 તથા વન-ડે ટીમ માટે સૂકાની પદ સોંપ્યું છે.
ભારતમાં રમાયેલા આઇસીસી વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતુ. ટીમના મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકે ટૂર્નામેન્ટ દરમિયાન રાજીનામું આપી દીધું હતું. વર્લ્ડ કપમાંથી બહાર થવાની સાથે જ બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ પોતાનું પદ છોડી દીધું હતું. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સમગ્ર પસંદગી સમિતિને બરતરફ કરી દીધી હતી. ત્યારબાદ પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ત્રણેય ફોર્મેટના કેપ્ટન પદ પરથી હટી જવાની જાહેરાત કરી છે.
બાબર આઝમે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની છેલ્લી મેચમાં હાર બાદ કેપ્ટનશીપ અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે તે આ પદ પર બન્યો રહેશે અને ટીમમાં યોગદાન આપશે. ઘરે પરત ફર્યા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓને મળ્યા બાદ બાબરે સોશિયલ મીડિયા પર પ્રશંસકો સાથે પોતાનું રાજીનામું શેર કર્યું હતું. બાબર આઝમે લખ્યું હતું કે, મને હજુ પણ યાદ છે જ્યારે વર્ષ 2019માં મને પીસીબી તરફથી ફોન આવ્યો કે તમે પાકિસ્તાન ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છો. છેલ્લા 4 વર્ષમાં મેં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. મારો ઈરાદો હંમેશા ટીમ માટે વધુ સારું પ્રદર્શન કરવાનો હતો અને તેને વધુ ઊંચાઈ પર લઈ જવાનો હતો. વન-ડે ક્રિકેટમાં નંબર વન રેન્કિંગ સુધી પહોંચવા માટે આખી ટીમે શાનદાર પ્રયાસ કર્યો હતો. આની પાછળ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને ટીમ મેનેજમેન્ટની સંપૂર્ણ મહેનત હતી.
છતાં અમને નિરાશાજનક પરિણામ મળ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટના કેપ્ટન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરવા જઈ રહ્યો છું. મારા માટે આ નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ હતો પરંતુ મને લાગે છે કે આ યોગ્ય સમય છે અને તેથી હું આ મોટું પગલું ભરી રહ્યો છું.