નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ગુપ્તચર એજન્સી ISIના બે અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના બંને અધિકારીઓની ખાનવાલ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સામેલ હોવાનું કહેવાય છે. અધિકારીઓ સાથે ચા પીધા બાદ હત્યાઓએ બંને અધિકારીઓની હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. તેમજ હત્યારો બંને અધિકારીઓનો ખબરી હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. પાકિસ્તાન તાબિલાન સહિતના આતંકવાદી સંગઠનોને પ્રોત્સાહન આપી રહી છે. હવે પાકિસ્તાન સામે આ જ આતંકવાદીઓ હથિયારો ઉઠાવ્યાં છે.
ઇસ્લામિક આતંકવાદી જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને પ્રીમિયર ઇન્ટેલિજન્સ એજન્સીના બે અધિકારીઓની હત્યાનો દાવો કર્યો છે. ટીટીપીના પ્રવક્તા મુહમ્મદ ખોરાસાનીએ મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “ટીટીપીની ગુપ્ત ટુકડીએ આઈએસઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર મુલતાન નવીદ સાદિક અને તેના સહયોગી ઈન્સ્પેક્ટર નાસિર બટ્ટની પંજાબના ખાનવાલ જિલ્લામાં બિસ્મિલ્લાહ હાઈવે પર માર્યા ગયા હતા.” ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI)ના અધિકારીઓને પંજાબ પ્રાંતમાં એક હોટલની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
કાઉન્ટર-ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) એ એક નિવેદનમાં હત્યાઓની પુષ્ટિ કરી હતી. જોકે વિભાગે આ હત્યામાં TTPની ભૂમિકા વિશે વાત કરી નથી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, બંને અધિકારીઓ હોટેલમાં શંકાસ્પદ હત્યારાને મળ્યા હતા અને તેમની સાથે ચા પીધી હતી. ચા પીધા પછી જ શંકાસ્પદ ખબરીએ હોટલના પાર્કિંગમાં બે અધિકારીઓને ગોળી મારી દીધી અને મોટરસાઈકલ પર ફરાર થઈ ગયો. સીટીડીએ ઘટના સંદર્ભે કેમેરા ફૂટેજ પણ જાહેર કર્યા હતા. હત્યા અને આતંકવાદના આરોપમાં કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે હત્યારાને ઝડપી લેવા માટે કવાયત શરુ કરી છે.