પાકિસ્તાનઃ અમેરિકાના રાજદૂતે POKની મુલાકાત લીધી, આઝાદ જમ્મુ-કાશ્મીર તરીકે કર્યો ઉલ્લેખ
નવી દિલ્હીઃ આતંકવાદી પ્રવૃતિને સમર્થન આપતા પાકિસ્તાન સાથે ભારતે સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકાયો છે, અત્યાર સુધી અમેરિકા આતંકવાદ મુદ્દે પાકિસ્તાન સામે આકરુ વલણ રાખતું આવ્યું હતું, પરંતુ ભારત ઉપર દબાણ ઉભુ કરવા માટે હાલ અમેરિકા પાકિસ્તાને ફરીથી મદદ કરી રહ્યું છે અને તાજેતરમાં જ ફાઈટર પ્લેન માટે પણ અમેરિકાએ મદદ જાહેર કરી છે. બીજી તરફ અમેરિકાના સ્ટેન્ડ સામે ભારતે નારાજગી વ્યકત કરી હતી. દરમિયાન પીઓકે ની મુલાકાત લઈને અમેરિકી રાજદૂતે આઝાદ જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરતા વિવાદ ઉભો થયો છે.
પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂત ડોનાલ્ડ બ્લોમે આ અઠવાડિયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની મુલાકાત લીધી હતી. તેમણે આ સમગ્ર પ્રદેશને ‘આઝાદ જમ્મુ અને કાશ્મીર’ કહ્યું છે. ભારત આખા કાશ્મીરને પોતાનો અભિન્ન અંગ માને છે. અમેરિકી રાજદૂતની આ મુલાકાતને લઈને વિદેશ વિભાગ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. વિદેશ વિભાગે યુએસ પ્રતિનિધિ ઇલ્હાન ઓમરની પીઓકેની મુલાકાતને સંકુચિત રાજનીતિ ગણાવી હતી. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ભારતે અમેરિકા સહિતના દેશોના દબાણમાં આવ્યા વિના પોતાનું સ્ટેટન ક્લીયર કર્યું હતું.
અમેરિકા સહિતના દેશોએ રશિયા સામે નારાજગી વ્યક્ત કરીને કેટલાક પ્રતિબંધ ફરમાવ્યાં છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકી પ્રતિનિધિમંડળની આ પ્રથમ મુલાકાત હતી. તેમની મુલાકાત દરમિયાન ઓમરે જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારના મુદ્દા તેમજ કલમ 370 નાબૂદ કરવા અંગે નિવેદન આપ્યું હતું. અમેરિકી રાજદૂતની આ મુલાકાતનો હેતુ પાકિસ્તાની વિરાસત અને સાંસ્કૃતિક સ્થળોને પુનઃસ્થાપિત કરવાનો હતો. તેમજ 2005ના ભૂકંપના પીડિતો માટે અમેરિકી સહાયને ઉજાગર કરી હતી. આ સિવાય તે પાકિસ્તાનમાં તાજેતરમાં આવેલા પૂરને ધ્યાનમાં રાખીને પીઓકેની પણ યાત્રા કરી ચૂક્યો છે.
અમેરિકન અધિકારીની પીઓકેની આ બીજી મુલાકાત છે. બ્લોમ સમગ્ર PoKનો AJK (આઝાદ જમ્મુ અને કાશ્મીર) તરીકે ઉલ્લેખ કરે છે. તેમનું નિવેદન ભારત સરકારની વિચારસરણી અને સ્ટેન્ડ વિરુદ્ધ છે. ભારતનું માનવું છે કે 1947માં પાકિસ્તાન દ્વારા આ વિસ્તાર પર બળજબરીથી કબજો કરવામાં આવ્યો હતો.