પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશ રેખા પર સોમવારે સતત બીજા દિવસે શસ્ત્રવિરામ ભંગની હરકત કરી છે. પાકિસ્તાન તરફથી કરવામા આવેલા ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે અને અન્ય ત્રણ ઈજાગ્રસ્ત થયા છે.
અધિકારીઓ પ્રમાણે આ ઘટના કેરી બટ્ટલ સીમાવર્તી વિસ્તારમાં બની છે અને વિગતવાર જાણકારીની રાહ જોવાઈ રહી છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યુ છે કે સોમવારે સવારે સાડા પાંચ વાગ્યે પાકિસ્તાની સેનાએ રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં અંકુશ રેખા પર મોર્ટાર શેલિંગ અને નાના હથિયારોથી ફાયરિંગ કર્યું હતું. તેમણે કહ્યુ છે કે ભારતીય સેનાએ આનો આકરો જવાબ આપ્યો છે.
મહત્વપૂર્ણ છે કે 14મી ફેબ્રુઆરીએ પુલવામા એટેકમાં સીઆરપીએફના કાફલાના 44 જવાનો શહીદ થયા હતા. તેના જવાબમાં 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઈખ કરી હતી અને તેના પછી સીમા પર તણાવની સ્થિતિ છે.
ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ નિયંત્રણ રેખા પર સંઘર્ષવિરામ ભંગની 100થી વધારે ઘટનાઓમાં પાકિસ્તાની સેનાએ ડઝનબંધ ગામડાઓને નિશાન બનાવ્ય છે. જેમાં એક પરિવારના ત્રણ સદસ્યો સહીત ચાર નાગરિકોના જીવ ગયા છે અને અન્ય કેટલાક ઘાયલ થયા છે.