પાકિસ્તાની યુદ્ધવિમાનો દ્વારા પુંછ-રાજૌરીના ચાર સ્થાનો પર વાયુસીમાનો ભંગ, ભારતીય વાયુસેનાની ત્વરીત વળતી કાર્યવાહી
પુલવામા એટેક બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં 70 કિલોમીટર સુધીના વિસ્તારમાં મુઝફ્ફરાબાદ, ચિકોઠી અને બાલાકોટ એમ ત્રણ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈકની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ 350 આતંકવાદીઓને ફૂંકી માર્યા છે.
ભારતીય વાયુસેનાની કાર્યવાહીના તમાચાથી પાકિસ્તાન ચચરાટ અનુભવી રહ્યુ છે અને પાકિસ્તાનની સેના તથા પાકિસ્તાનના વડાપ્રધાન બંનેએ ભારતને વળતી કાર્યવાહીની ધમકી આપી છે. પાકિસ્તાને એક તરફ એલઓસી પર 55 સ્થાનો પર શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે.
પુલવામા એટેક બાદ ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ હવે પાકિસ્તાની યુદ્ધવિમાનોએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાની કોશિશ કર્યાના અહેવાલ છે. સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ મુજબ, પાકિસ્તાની વાયુસેનાના યુદ્ધવિમાનોએ એલઓસીનું ઉલ્લંઘન કરતા જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સીમાવર્તી વિસ્તારમાં ભારતીય વાયુક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. પરંતુ હવાઈ પેટ્રોલિંગ પર તેનાત ભારતીય યુદ્ધવિમાનોએ પાકિસ્તાની યુદ્ધવિમાનો તાત્કાલિક પાછા ખદેડયા હતા.
જો કે પાછા જતી વખતે પાકિસ્તાની યુદ્ધવિમાનો દ્વારા ભારતીય સેનાના ઠેકાણા નજીક બોમ્બ ફેંકવામાં આવ્યાની પણ આશંકા છે. જો કે ભારત સરકારે આની છેલ્લા અહેવાલ સુધી કોઈ પુષ્ટિ કરી નથી. પાકિસ્તાની યુદ્ધવિમાનો દ્વારા ભારતમાં કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી.
જણાવવામાં આવે છે કે પાકિસ્તાની યુદ્ધવિમાન પુંછ અને નૌશેરા સેક્ટરમાં ઘૂસ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ, ચાર સ્થાનો પર પાકિસ્તાની યુદ્ધવિમાનોની ઘૂસણખોરી થઈ હતી. ભારતીય વાયુસેનાની વળતી કાર્યવાહી બાદ પાકિસ્તાની યુદ્ધવિમાનોને પાછા ભાગવું પડયું હતું.
સુરક્ષા કારણોસર લેહ, જમ્મુ, શ્રીનગર અને પઠાનકોટ એરપોર્ટને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે અને તમામ સ્થાનો પર પ્રવાસી વિમાનોની ઉડાણને રદ્દ કરી દેવામાં આવી છે.
ભારતીય વાયુસેનાએ પહેલા જ આંતરરાષ્ટ્રીય સીમા અને એલઓસીની નજીક તમામ હવાઈ સુરક્ષા પ્રણાલીઓને હાઈએલર્ટ પર રાખી છે. જેથી પાકિસ્તાનની કોઈપણ કાર્યવાહીનો જવાબ આપી શકાય.
બીજી તરફ પાકિસ્તાની સેના દ્વારા પ્રોપગેન્ડા તેજ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની ન્યૂઝચેનલ એઆરવાય ન્યૂઝનો દાવો છે કે પાકિસ્તાને બે ભારતીય વિમાનોને નિશાન બનાવ્યા છે. ભારતમાં જે વિમાન ક્રેશ થયું છે, તેને પાકિસ્તાન પોતાના એક્શન તરીકે રજૂ કરી રહ્યું છે. પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે જે ભારતીય વિમાન ક્રેશ થયું છે, તે પાકિસ્તાની નિશાના પર હતું.
તો કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ દ્વારા મોટી બેઠક બોલાવવામાં આવી છે. રાજનાથસિંહે તમામ અર્ધલશ્કરી દલોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં સીઆરપીએફ, બીએસએફ અને સીઆઈએસએફ સહીતની પેરામિલિટ્રી ફોર્સિસના વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે.