Site icon Revoi.in

પાકિસ્તાન ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છે છે: મરિયમ નવાઝ

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે પાડોશી દેશો સાથેના સંબંધોને લઈને તેમના પિતા અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના નિવેદનોનો ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યું હતું કે, પડોશીઓ સાથે લડવું ન જોઈએ પરંતુ મિત્રતા અને પ્રેમ જાળવી રાખવો જોઈએ. મામલા સાથે જોડાયેલા નિષ્ણાતો મરિયમ નવાઝના આ નિવેદનને ભારત સાથે પાકિસ્તાનના સંબંધો સુધારવાના ઈરાદા તરીકે જોઈ રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, કરતારપુર સાહિબ પહોંચેલા 3000 ભારતીય શીખ તીર્થયાત્રીઓની સામે મરિયમ નવાઝે ભારત સાથે સંબંધો સુધારવા પર જોર આપ્યું છે. તેણીએ કહ્યું કે, જ્યારે હું મુખ્યમંત્રી બની ત્યારે મને ભારત અને ત્યાંના પંજાબ પ્રાંત તરફથી અભિનંદન સંદેશો મળ્યો હતો. મને લાગ્યું કે, બંને દેશો વચ્ચે કોઈ સરહદ નથી.

ઉર્દૂ અને પંજાબીમાં આપેલા તેમના દસ મિનિટના ભાષણમાં તેમણે ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચેના બંધનની વાત કરી હતી. ખાસ કરીને તેમણે બંને દેશોના પંજાબ પ્રાંતો વચ્ચેના પરસ્પર સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. મરિયમ નવાઝે કરતારપુર સાહિબની આસપાસના વિસ્તારના વિકાસ પર ભાર મુક્યો હતો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉરી હુમલા બાદ સંબંધમાં વધારે કડવાશ આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તમામ પ્રકારના વ્યવહારો બંધ છે. બીજી તરફ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતું પાકિસ્તાન ભારત સાથે પોતાના સંબંધ સુધારવા માંગે છે. જેથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થાય, પરંતુ જ્યાં સુધા પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓ બંધ ના કરે ત્યાં સુધી વાત કરવાનો ભારતે ઈન્કાર કર્યો છે.