નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા માટે પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન પુરી પાડે છે એટલું જ નહીં આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન પોતાની જમીનનો ઉપયોગ પણ કરવા દે છે. ભારેત પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પ અંગે અનેક વાર સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમજ દુનિયાના અનેક દેશમાં આતંકવાદી પ્રવૃતિમાં પાકિસ્તાનનો હાથ હોવાનું માની રહી છે જેથી દુનિયામાં પાકિસ્તાનની છબી વધારે ખરડાઈ છે. બીજી તરફ આતંકવાદીઓને પાળનાર પાકિસ્તાન માટે આતંકવાદીઓ જ મોટો પડકાર બની રહ્યાં હોય તેવો ઘાટ ઘડાયો છે.
પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે, પરંતુ હવે તેની અંદર આતંકવાદી ગતિવિધિઓ વધી ગઈ છે. પાકિસ્તાનમાં એક જ વર્ષમાં આતંકવાદી ઘટનાઓમાં મૃતકોની સંખ્યા 506 થી વધીને 663 થઈ ગઈ છે. જેમાં 31 ટકાનો વધારો થયો છે.
પાકિસ્તાનમાં 2022માં અત્યાર સુધી આતંકવાદી ઘટનાઓમાં 230 લોકો માર્યા ગયા છે. 2020માં આતંકવાદી ઘટનાઓમાં 193 લોકોના મોત થયા હતા. આમ પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં મૃત્યુ આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં આતંકવાદી તાલીમ કેમ્પ માટે પાકિસ્તાન આર્મી અને ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પણ આતંકવાદીઓને મદદ પુરી પાડતા હોવાનું સામે આવ્યું છે.
હવે આતંકવાદ પાકિસ્તાન સરકાર માટે પણ મોટો પડકાર છે. આતંકવાદીઓનું મોટું સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનમાં આતંક મચાવીને સત્તા પર કબજો કરવા માંગે છે. આ સંગઠનને પાકિસ્તાનમાં મોટાભાગની આતંકવાદી ઘટનાઓ માટે જવાબદાર માનવામાં આવે છે. કાબુલમાં તાલિબાનોએ સત્તા સંભાળી લીધા બાદ ટીટીપીનો ઉત્સાહ પણ ઊંચો છે. હવે તેને અફઘાનિસ્તાનમાંથી સરળતાથી અમેરિકન હથિયારો મળી જાય છે.