પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિકેટકીપર રિઝવાને ઓશીકા સાથેના ફોટા મુદ્દે મૌન તોડ્યું
દિલ્હીઃ ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનમાં ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનના પરાજયને પગલે પાકિસ્તાની નાગરિકોએ પોતાની ટીમના ખેલાડીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિકેટ કીપર મહંમદ રિઝવાનનો ઓશિકા સાથેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. તેમજ લોકો વિવિધ કોમેન્ટ કરતા હતા. જો કે, હવે પાકિસ્તાનની ખેલાડી રિઝવાને મૌન તોડ્યું છે અને પોતાનું મેડિકલ ઓશિકું હોવાનું જણાવ્યું હતું. તેમજ પાકિસ્તાન ક્રિકેટે રિઝવાનનો વીડિયો પણ શેયર કર્યો છે.
રિઝવાને એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, આ મારું મેડિકલ ઓશીકું છે જેનો ઉપયોગ હું મારી ગરદનને ટેકો આપવા માટે કરું છું. વિકેટકીપર તરીકે, મને હંમેશા ગરદનની સમસ્યા રહે છે હું વિકેટકીપિંગ અને બેટિંગ કરતી વખતે સતત હેલ્મેટ પહેરું છું. આના કારણે ઘણી વખત ગરદનના સ્નાયુઓમાં દુખાવો થાય છે. એટલા માટે મેડિકલ ઓશીકું વાપરું છું જેથી કરીને આરામથી સૂઈ શકું. કોઈ જોખમ લેવા માંગતો નથી અને તેથી હંમેશા તેની સાથે ઓશીકું રાખે છે.
ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા રિઝવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે તેણે સેમીફાઈનલ રમી હતી અને 52 બોલમાં 67 રન બનાવ્યા હતા, પરંતુ તેની ટીમ હારી ગઈ હતી. દુબઈમાં સેમિફાઈનલ પહેલા એક ભારતીય ડોક્ટરે રિઝવાનને ફિટ થવામાં મદદ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડકપની લીગ મેચમાં પાકિસ્તાનની ટીમ તમામ મેચ જીતી હતી અને સેમિફાઈનલમાં પહોંચી હતી. જો કે, સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે પાકિસ્તાનનો પરાજય થયો હતો.