Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન ક્યારેય સફળ નહીં થાયઃ ફારુક અબ્દુલ્લા

Social Share

જમ્મુઃ નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન ક્યારેય સફળ નહીં થાય. જે લોકો તેને પાકિસ્તાન સાથે જોડવા માંગતા હતા તેઓ નિષ્ફળ ગયા છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતની તાકાત વિવિધતામાં એકતા છે. “આપણે ભાઈચારો મજબૂત કરવો પડશે અને એકબીજા પ્રત્યે નફરતને દૂર કરવી પડશે, જેથી દેશમાં શાંતિ, પ્રગતિ અને વિકાસ થઈ શકે.”

પત્રકારો સાથે વાત કરતા અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, લોકોને નવી સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને તેમને વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીર વિકાસના માર્ગે પરત ફરશે. આવી સ્થિતિમાં, આજે પણ આપણે આતંકવાદ સામે એ જ રીતે લડવું પડશે જે રીતે આપણે વર્ષોથી લડતા આવ્યા છીએ. આપણે આતંકીઓને હરાવવાના છે. અબ્દુલ્લાએ કાશ્મીર ખીણમાં અલગતાવાદીઓનો ઉલ્લેખ કરતા કહ્યું, “જે લોકો અમને પાકિસ્તાન સાથે જોડવા માંગતા હતા તેઓ નિષ્ફળ ગયા છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો તાજ છે અને હંમેશા રહેશે. હવે ધર્મના નામે ફેલાયેલી નફરતનો અંત લાવવો જોઈએ, કારણ કે તેનાથી દેશની એકતા માટે ખતરો છે. આપણો ધર્મ કે ભાષા કોઈ પણ હોય, આપણે આપણા દેશમાં વિવિધતાને જીવંત રાખવાની છે. તેમણે એમ પણ કહ્યું કે આપણે બધા ભારતીય છીએ અને આપણે એકજૂટ રહેવું જોઈએ નહીંતર ભારત ટકી શકશે નહીં.

તાજેતરમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનની જીત થઈ હતી. તેમજ જમ્મુ-કાશ્મીરમાં આ ગઠબંધને સરકારની રચના કરી છે.