વોશિંગ્ટનમાં ભારત-અમેરિકાનો યુદ્ધાભ્યાસ
પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ
18 સપ્ટેમ્બરે સમાપ્ત થશે યુદ્ધાભ્યાસ
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને અસરહીન કરાયા બાદ પાકિસ્તાન માટે વધુ એક ખરાબ સમાચાર છે. ભારત અને અમેરિકા વચ્ચે હાલ સૈન્યાભ્યાસ થઈ રહ્યો છે. જેના કારણે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે.
ભારત અને અમેરિકા વચ્ચે એક સંયુક્ત યુદ્ધાભ્યાસ શુક્રવારે વોશિંગ્ટનમાં શરૂ થયો . આ સૈન્યાભ્યાસ બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંરક્ષણ સહયોગનો ભાગ છે. આ આયોજન જોઈન્ટ બેસ લુઈસ મેકકાર્ડ વોશિંગ્ટનમાં કરવામાં આવ્યું છે. આ કવાયતને યુદ્ધાભ્યાસ નામ આપવામાં આવ્યું છે. આ યુદ્ધાભ્યાસ ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્તપણે ચાલનારો સૌથી મોટી સૈન્ય તાલીમ અને સંરક્ષણ સહયોગના પ્રયાસમાંથી એક છે. આ યુદ્ધાભ્યાસ 18 સપ્ટેમ્બરે સમાપ્ત થશે.
અધિકારીઓએ કહ્યુ છે કે ભારત અને અમેરિકાની સેનાઓ સંયુક્તપણે સારી રીતે વિકસિત અભિયાનોની એક શ્રૃંખલા પ્રશિક્ષિત અને ક્રિયાન્વિત કરશે. જેનાથી અભ્યાસ દરમિયાન વિભિન્ન પ્રકારના ખતરાને નિષ્પ્રભાવી કરી શકાશે.
આના અંતમાં બંને દેશો દ્વારા સંયુક્ત રાષ્ટ્રના મેનડેટ હેઠળ એક સંયુક્ત કવાયત કરવામાં આવશે. બંને પક્ષોના જાણકાર પરસ્પર લાભ માટે વિભિન્ન વિષયો પર એકબીજા સાથે અનુભવોની આપ-લે કરશે અને એકેડેમિક તથા સૈન્ય વિષયો પર ચર્ચા કરશે. આ અભ્યાસનું 15મું સંસ્કરણ છે. તેનું ભારત અને અમેરિકામાં વારાફરતી આયોજન કરવામાં આવે છે.