Site icon Revoi.in

પાકિસ્તાન શરતો પૂરી નહીં કરે ત્યાં સુધી તેને લોન નહીં મળે : IMFનું આકરુ વલણ

Social Share

નવી દિલ્હીઃ ઈમરાન ખાનને લઈને તણાવ વચ્ચે પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ રહ્યું છે. IMFએ પાકિસ્તાનને લોન આપવાનો ઇનકાર કર્યો છે અને તેના ડિફોલ્ટનું જોખમ વધી રહ્યું છે. પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે શનિવારે ફરી એકવાર ખાતરી આપી છે કે પાકિસ્તાન ડિફોલ્ટ નહીં કરે. આ દરમિયાન ઈમરાન ખાન અને પાકિસ્તાની સેના વચ્ચેનું યુદ્ધ નિર્ણાયક તબક્કામાં પહોંચતું જોવા મળી રહ્યું છે. હવે પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય અને આર્થિક અસ્થિરતાને કારણે સાઉદી અરેબિયા અને UAE પણ ચિંતામાં મુકાયું છે. આ બંને દેશોએ પાકિસ્તાનને અબજો ડોલરની લોન આપી છે.

પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય અને આર્થિક સંકટને કારણે ખાડી દેશોના તણાવમાં વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા ખરાબ રીતે ફસાયા છે. આ બંને દેશોએ મળીને પાકિસ્તાન અને IMFને 3 બિલિયન ડોલર આપવાનું વચન આપ્યું છે. રાજકીય અંધાધૂંધી વચ્ચે પાકિસ્તાનમાં આર્થિક સંકટ ચરમસીમાએ પહોંચતું જણાય છે. 1947માં જિન્નાના દેશમાં આઝાદી બાદ મોંઘવારી સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.

પાકિસ્તાની રૂપિયો તૂટ્યો છે અને શેહબાઝ સરકારની વિદેશી લોનની ચુકવણી સંકટનો સામનો કરી રહી છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો પાકિસ્તાન ડિફોલ્ટ થઈ શકે છે. ડિસેમ્બર 2022માં પાકિસ્તાને 126 બિલિયન ડોલર ચૂકવવાના હતા. હાલમાં પાકિસ્તાન પાસે વિદેશી મુદ્રા ભંડાર માત્ર 4 અબજ ડોલરની આસપાસ છે. દરમિયાન, IMFએ હવે સ્પષ્ટપણે કહ્યું છે કે, જ્યાં સુધી પાકિસ્તાન શરતો પૂરી નહીં કરે ત્યાં સુધી તેને લોન નહીં મળે.

પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીમાં એક બ્રોકરેજ હાઉસના સીઈઓ મોહમ્મદ સોહેલે અલ મોનિટર વેબસાઈટને જણાવ્યું કે તેમને શંકા છે કે દેશમાં વધી રહેલા રાજકીય સંકટ વચ્ચે યુએઈ અને અન્ય દેશો મદદ કરશે. IMFએ કહ્યું હતું કે જો આ દેશો પહેલા લોન આપશે તો તે પેકેજને પુનઃસ્થાપિત કરશે. ચીન, UAE, સાઉદી અરેબિયા, આ ત્રણેય દેશોએ લોન આપવાનું વચન આપ્યું છે પરંતુ હજુ પણ $2 બિલિયનના ભંડોળની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે પાકિસ્તાન હવે ડિફોલ્ટ તરફ આગળ વધી રહ્યું છે.