ઈસ્લામાબાદ: પાકિસ્તાને 14 પાકિસ્તાની સુરક્ષાકર્મીઓની તાજેતરની લક્ષિત હત્યામાં સંડોવાયેલા તહેરાન સમર્થિત કથિત આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરતા શનિવારે ઈરાનને એક વિરોધ પત્ર મોકલ્યો છે. માર્યા ગયેલા સુરક્ષાકર્મીઓમાં મોટાભાગના પાકિસ્તાની નૌસેનાના સૈનિકો હતા. મહત્વપૂર્ણ છે કે અર્ધલશ્કરી દળોના જવાનોની વર્દીમાં આવેલા અજાણ્યા બંદૂકધારીઓએ ગુરુવારે બલૂચિસ્તાનમાં મકરાન કોસ્ટલ હાઈવે પર 14 મુસાફરોની હત્યા કરી હતી.
ઈરાનને પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી મોકલવામાં આવેલા વિરોધ પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની સશસ્ત્ર સેનાના ઓછામાં ઓછા 14 જવાનોને બલૂચિસ્તાનના ઓરામ્રા વિસ્તારમાં 18મી એપ્રિલે બસમાંથી નીચે ઉતારવામાં આવ્યા અને તેમની હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે બલૂચ રાષ્ટ્રવાદી સમૂહના કથિત આતંકી ઈરાનની સીમા સાથેના એક ક્ષેત્રમાં સક્રિય છે. કાર્યલયે તહેરાનને કથિત આતંકીઓ સામે કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.
તેમા કહેવામાં આવ્યું છે કે ત્રણ બલૂચ આતંકવાદી સંગઠનોના ગઠબંધન બીઆરએએશએ આ આતંકવાદી કૃત્યની જવાબદારી લેવાનો દાવો કર્યો છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઈરાનમાં આવેલા આતંકવાદી સમૂહ દ્વારા 14 નિર્દોષ પાકિસ્તાનીઓની હત્યા ઘણી ગંભીર ઘટના છે, તેનો પાકિસ્તાન કડક વિરોધ કરે છે. પાકિસ્તાન ઈરાનમાં આવેલા સમૂહોની વિરુદ્ધ કાર્યવાહી કરવાના અનુરોધમાં તે દેશની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યું છે. ઈરાનના આ આતંકવાદી જૂથોના ઠેકાણાની ઓળખ પાકિસ્તાને ઘણી વખત કરી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની રવિવારે શરૂ થઈ રહેલી ઈરાનની પહેલી મુલાકાતને ધ્યાનમાં રાખીને આ ઘટના પાર પાડવામાં આવી છે. ઈરાનના વિદેશ પ્રધાન જાવેદ જરીફે હુમલાની નિંદા કરતા કહ્યુ છે કે પાકિસ્તાન-ઈરાનના સંબોધોના દુશ્મન આના માટે જવાબદાર છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે વડાપ્રધાન ઈમરાનખાનના ઈરાનની ઐતિહાસિક પહેલી મુલાકાત શરૂ કરવાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનમાં થયેલા તાજેતરના આતંકી હુમલાની આકરી નિંદા કરું છું. આતંકવાદી, કટ્ટરપંથી અને તેમના પ્રાયોજક મુસ્લિમ દેશોના નિકટવર્તી સંબંધોથી ડરેલા છે.