પાકિસ્તાની અભિનેતાએ હિન્દી ફિલ્મ ફાઈટરના મેકર્સ ઉપર કર્યાં આકરા પ્રહાર
મુંબઈઃ હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ફાઈટર હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે અત્યાર સુધી સારી કમાણી કરી છે. આ ફિલ્મ પ્રજાસત્તાક દિવસના અવસર પર 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મના કલેક્શનની શરૂઆત સારી થઈ હતી પરંતુ હવે તેનું કલેક્શન ઘટતું જોવા મળી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાની એક્ટર અદનાન સિદ્દીકીએ આ ફિલ્મ અને મેકર્સ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. અદનાન સિદ્દીકીએ ફાઈટરમાં પાકિસ્તાનને વિલન તરીકે દર્શાવવા બદલ ફિલ્મની ટીમની ટીકા કરી છે.
પાકિસ્તાની અભિનેતાએ એક ટ્વિટમાં લખ્યું, ‘તમારા ફ્લોપ શો પછી, ફાઇટરની ટીમ માટે એક મોટો પાઠ હતો. તમારા પ્રેક્ષકોની બુદ્ધિનું અપમાન કરશો નહીં, તેઓ સમજે છે કે એજન્ડાનો અર્થ શું છે. મનોરંજનને નકામી રાજનીતિથી દૂર રાખો. આ પહેલીવાર નથી અગાઉ જ્યારે ફાઈટરનું ટ્રેલર રિલીઝ થયા બાદ પણ અદનાને તેનું નામ લીધા વગર ટ્વીટ કરીને મેકર્સને ટોણો માર્યો હતો. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ અદનાને ફિલ્મને પાકિસ્તાન વિરોધી ગણાવી હતી. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે – “તે ખૂબ જ હૃદયદ્રાવક છે કે બોલિવૂડ પાકિસ્તાનીઓને વિલન તરીકે બતાવી રહ્યું છે.” તેમના આ ટ્વિટ પર ફાઈટરના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે તેમને એક સલાહ આપી હતી. સિદ્ધાર્થે પહેલા થિયેટરમાં ફિલ્મ જોવાનું કહ્યું હતું.
ફાઈટરની વાત કરીએ તો તેમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. આ સિવાય અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને સંજીદા શેખે પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં બધાએ એરફોર્સના પાયલટની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 200 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. પરંતુ ભારતમાં આ ફિલ્મ હજુ આ આંકડાને સ્પર્શવાથી ઘણી દૂર છે.