નવી દિલ્હીઃ પાકિસ્તાની પત્રકાર ફરીદ ખાને સોશિયલ મીડિયા પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનની માફી માંગી છે. થોડા દિવસ પહેલા જ ફરીદે વોનના દાવાની ટીકા કરી હતી કે IPLમાં રમવું એ પાકિસ્તાન સામે રમવા કરતાં ટી-20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડના ખેલાડીઓ સારી તૈયારી કરી શકત. વોનની ટિપ્પણીનો જવાબ આપતા ફરીદે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ક્રિકેટનું અપમાન કરવા બદલ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેનની ટીકા કરી હતી. જો કે, હવે ફરીદે પોતે વિડિયો જાહેર કરીને વોનની માફી માંગી છે અને એ પણ સ્વીકાર્યું છે કે કોઈપણ ભારતીય રણજી ટીમ કે IPL ટીમ આ પાકિસ્તાની ટીમને સરળતાથી હરાવી શકે છે.
વર્તમાન T20 ચેમ્પિયન ઇંગ્લેન્ડે ગુરુવારે ચાર મેચની T20 શ્રેણીમાં પાકિસ્તાનને 2-0થી હરાવ્યું હતું. ફરીદે હવે વોનનો પક્ષ લીધો અને કહ્યું કે, તેમણે જે પણ દાવો કર્યો તે સાચો નીકળ્યો. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ચારમાંથી બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ફરીદે વીડિયોમાં કહ્યું કે, માઈકલ વોન પ્લીઝ મને માફ કરો. હું ક્ષમા માંગું છું! તમે સાચા હતા અને હું શરમ અનુભવું છું. ઈંગ્લેન્ડના ખેલાડીઓએ કહ્યું હતું કે, આઈપીએલ પ્લેઓફ અને ફાઈનલ રમવાની ઈંગ્લેન્ડના ખેલાડીઓને જરૂર હતી. રણજી ટ્રોફીની ટીમ પણ પાકિસ્તાની ટીમ હરાવી શકે છે. IPLમાં દિલ્હી કેપિટલ્સ અથવા પંજાબ કિંગ્સ આ પાકિસ્તાની ટીમ સામે એકતરફી જીત નોંધાવશે. હું વર્લ્ડ કપમાં કેનેડા અને અમેરિકા સામે પાકિસ્તાનની મેચોને લઈને ચિંતિત છું. પાકિસ્તાન ક્રિકેટનો આ વર્ષોનો સૌથી ખરાબ તબક્કો છે.
વોને ફરીદની માફી સ્વીકારી અને લખ્યું- માફી સ્વીકારી લેવામાં આવી છે. વોને આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ IPL 2024 પ્લેઓફના થોડા દિવસો પહેલા પાકિસ્તાન સામેની ચાર મેચની T20 શ્રેણીમાં રમવા માટે તેના ખેલાડીઓને પરત બોલાવ્યા હતા. વોને કહ્યું- મને લાગે છે કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તેના તમામ ખેલાડીઓને ઘરે બોલાવી ખોટું કરી રહ્યું છે. મને લાગે છે કે વિલ જેક્સ, ફિલ સોલ્ટ, જોસ બટલર માટે આઈપીએલ પ્લેઓફમાં રમવું વધુ સારું હોત. દબાણ, ભીડ અને અપેક્ષાઓનું ભારણ હતું. હું કહીશ કે IPL પ્લેઓફ રમવી એ પાકિસ્તાન સામે ટી20 મેચ રમવા કરતાં સારી તૈયારી છે.