પાકિસ્તાની નેતા રાહુલ ગાંધીના વખાણ કરે તે ભારત માટે ચિંતાનો વિષયઃ રાહનાથ સિંહ
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના વખાણ કરતા ભારતીય રાજકારણમાં વધારો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાના નેતાઓ દ્વારા આ મામલે કોંગ્રેસ ઉપર સતત આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં આ મામલે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે જવાબ માંગવામાં આવી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના નેતાના રાહુલ ગાંધી અંગેના નિવેદનને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં ભાજપાના ભવ્ય વિજ્યનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રક્ષા મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના પૂર્વ મંત્રી રાહુલ ગાંધીના વખાણ કરે તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને કોંગ્રેસે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના ફાયદા માટે કોંગ્રેસના નેતાઓ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજન કરવાનો પ્રયાસ કરીને આગ સાથે રમી રહી છે. કોંગ્રેસ ધાર્મિક આધાર પર તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા માંગે છે. તેઓ મુસ્લિમ સમુદાયને માત્ર વોટબેંક તરીકે જુએ છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે મારું તેમને એક સૂચન છે – માત્ર સરકાર બનાવવા માટે રાજનીતિ ન કરવી જોઈએ. રાજકારણનો ઉદ્દેશ્ય રાષ્ટ્ર નિર્માણ હોવો જોઈએ.
દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે.